ભારતથી અલગ થઈને ૧૯૪૭માં પાકિસ્તાન એક નવો દેશ બન્યો. આ સમયે જમ્મુ-કાશ્મીર, હૈદરાબાદ, જૂનાગઢ જેવા કેટલા રજવાડાઓ સ્વતંત્ર પણ રહ્યા હતા. તેમાંથી ૨૨ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીર પર હુમલો કર્યો. આ હુમલાથી બચાવવા કાશ્મીરના મહારાજા હરિ સિંહે ભારતીય સેનાને જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશવાની મંજૂરી આપી અને જમ્મુ-કાશ્મીરને ભારતમાં ભેળવી દેવા માટે પણ સંમત થયા.
ભારતીય સેના કાર્યવાહી કરે ત્યાં સુધીમાં તો કાશ્મીરના કેટલાક ભાગ પર પાકિસ્તાને કબજા કરી લીધો હતો. જે આજે પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર તરીકે ઓળખાય છે. જેમાં વર્ષ ૧૯૬૩માં એક કરાર હેઠળ પાકિસ્તાને પીઓકેનો કેટલોક ભાગ ચીનને આપ્યો હતો. જેને વર્તમાન સમયમાં અક્સાઈ ચીન તરીકે ઓળખવામાં આવે છે.
ભારતથી અક્સાઈ ચીન ૧૬૦૪ કિલોમીટરના અંતરે આવેલું છે. વર્ષ ૧૯૬૩માં એક કરાર હેઠળ પાકિસ્તાને, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો ૫૧૮૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો વિસ્તાર ચીનને સોંપ્યો હતો. આ વિસ્તાર તિબેટીયન ઉચ્ચપ્રદેશની ઉત્તરપશ્ચિમમાં કુનલુન પર્વતોની નીચે સ્થત છે.
પાકિસ્તાને, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો ૫૧૮૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો વિસ્તાર ચીનને ભલે સોંપી દીધો હોય પરંતુ ભારત આ કરારને ગેરકાયદેસર માને છે. ભારતે અક્સાઈ ચીનના ૩૮,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર બાબતે ચીનને ઘણીવાર સ્પષ્ટતા કરી છે કે એ વિસ્તાર ચીનનો નથી. પરંતુ તેમ છતાં પણ ચીન તે વિસ્તાર પર કબજા જમાવીને બેઠું છે. તેમજ ભારત અને ચીન બંને અત્યાર સુધી આ વિવાદનો ઉકેલ શોધી શક્યા નથી.