પાકિસ્તાની મરીને ફરી એકવાર હિંમત બતાવી છે. મોડી રાત્રે પાકિસ્તાની મરીને ઓખાની બોટ પર ગોળીબાર કર્યો હતો. સદનસીબે માછીમારોનો આબાદ બચાવ થયો હતો. બોટ પલટી ગઈ હોવાનું જાણવા મળે છે. બોટના માછીમારોને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.
પાકિસ્તાની મરીન સિક્યુરિટી ગાર્ડ સતત ભારતીય બોટ અને માછીમારોનું અપહરણ કરી રહ્યા છે. જો કે છેલ્લા કેટલાક સમયથી શાંતિ પ્રવર્તી રહી છે, પરંતુ પાકિસ્તાની મરીને ફરી એકવાર હિંમત બતાવી છે. ગઈકાલે એટલે કે રવિવારે રાત્રે પાકિસ્તાની મરીને ભારતીય જળસીમા નજીક માછીમારી કરતી ઓખાની બોટ પર ગોળીબાર કર્યો હતો. જે બાદ દરિયામાં હંગામો મચી ગયો હતો. ગોળીબારના કારણે ઓખાની બોટ પલટી ગઈ.
ઘટનાની માહિતી મળ્યા બાદ, કોસ્ટ ગાર્ડ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો અને જાણ થઈ કે બોટના માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. આજે બપોરે તેમને ઓખા બંદરે લાવવામાં આવશે. ભારતીય જળસીમા નજીક પાકિસ્તાની મરીન દ્વારા કરવામાં આવેલા ગોળીબારના કારણે ગુજરાતના માછીમારોમાં ભયનો માહોલ છે.