ગેરી કર્સ્ટન પાકિસ્તાન ક્રિકેટ ટીમ હોય કે તેમનું બોર્ડ, તે ઘણીવાર કોઈને કોઈ વિવાદને કારણે સમાચારમાં રહે છે. વર્ષ ૨૦૨૪ માં પણ આવો જ વિવાદ જોવા મળ્યો હતો જ્યારે ગેરી કર્સ્ટન અને પછી જેસન ગિલેસ્પીએ થોડા મહિનામાં મુખ્ય કોચ પદ પરથી રાજીનામું આપ્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગયા વર્ષે ગિલેસ્પીને ટેસ્ટમાં ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા, જ્યારે ગેરી કર્સ્ટનને મર્યાદિત ઓવરના ફોર્મેટમાં મુખ્ય કોચની જવાબદારી સોંપવામાં આવી હતી. જાકે, બંનેએ ૬ મહિનાની અંદર આ પદ છોડી દીધું હતું. તે જ સમયે, કર્સ્ટને હવે મુખ્ય કોચનું પદ છોડવાના તેમના નિર્ણય અંગે પ્રથમ વખત નિવેદન આપ્યું છે, જેમાં તેમણે પીસીબીની કાર્યપદ્ધતિ વિશે સંપૂર્ણ સત્યનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાની ટીમમાં બહારના લોકોનો ઘણો દખલ છે
ગેરી કર્સ્ટને વિઝડન પોડકાસ્ટને આપેલા પોતાના નિવેદનમાં પાકિસ્તાની ટીમના મુખ્ય કોચનું પદ છોડવા પાછળના કારણ વિશે વાત કરતા કહ્યું કે, “મને મારું કામ યોગ્ય રીતે કરવા દેવામાં આવતું ન હતું, જેમાં ટીમની અંદર બહારના લોકોનો ઘણો દખલ હતો. શરૂઆતના કેટલાક મહિના મારા માટે ખૂબ જ તણાવપૂર્ણ હતા, ત્યારબાદ મને સમજાયું કે કોચ તરીકે મને અહીં વધુ સત્તા મળવાની નથી. મને પસંદગી પેનલમાંથી દૂર કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે મારે ફક્ત ટીમને કોચિંગ આપવું પડશે, પરંતુ ટીમ પસંદ કરવામાં મારી કોઈ ભૂમિકા રહેશે નહીં. કોચ તરીકે, જ્યારે તમારી ટીમ પર કોઈ સકારાત્મક અસર નહીં પડે, ત્યારે તમારા માટે વસ્તુઓ ખૂબ મુશ્કેલ બની જાય છે.”
કર્સ્ટને પોતાના નિવેદનમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના ખેલાડીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, “પાકિસ્તાની ખેલાડીઓ કદાચ વિશ્વની કોઈપણ અન્ય ટીમ કરતાં પ્રદર્શન કરવા માટે વધુ દબાણ અનુભવે છે. જ્યારે ટીમને હારનો સામનો કરવો પડે છે, ત્યારે ત્યાંનું આખું વાતાવરણ સંપૂર્ણપણે અલગ જાવા મળે છે.” જાકે, કર્સ્ટને કહ્યું કે તેઓ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં કોચ તરીકે પાછા ફરી શકે છે પરંતુ યોગ્ય પરિસ્થિતિઓમાં અને કોઈપણ બાહ્ય હસ્તક્ષેપ વિના.