પાકિસ્તાન પોતાના જ કર્યાની સજા હાલ ભોગવી રહ્યું છે. એક તરફ જ્યાં દેશ આર્થિક સ્થિતિને કારણે દેવામાં ડૂબી રહ્યો છે, તો બીજી તરફ મોંઘવારીના કારણે લોકોનું જીવન જીવવુ પણ હાલમાં મુશ્કેલીભર્યું બની ગયુ છે. પાકિસ્તાનના કરાચીમાં લોટના ભાવ રૂ. ૩૨૦૦ પ્રતિ ૨૦ કિલોની નવી ટોચે પહોંચી ગયા છે. એટલે કે, કરાચીમાં ૧ કિલો લોટની કિંમત ૩૨૦ રૂપિયા થઈ ગઈ છે.
અહેવાલ આપ્યો છે કે, કરાચીના લોકો કદાચ વિશ્વનો ‘સૌથી મોંઘો’ લોટ ખરીદી રહ્યા છે. એઆરવાય ન્યૂઝે પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સને ટાંકીને કહ્યું કે, કરાચીમાં લોટની કિંમત ઈસ્લામાબાદ અને પંજાબ કરતાં વધુ છે. કરાચીમાં લોટની ૨૦ કિલોની થેલીનીકિંમતમાં ૨૦૦ રૂપિયાનો વધારો જાવા મળ્યો છે. જેના કારણે ભાવ વધીને ૩,૨૦૦ રૂપિયા થઈ ગયા છે. દરમિયાન, હૈદરાબાદમાં ૧૪૦ રૂપિયાના વધારા બાદ ૨૦ કિલોની બેગ ૩,૦૪૦ રૂપિયામાં ઉપલબ્ધ છે.
ઈસ્લામાબાદ, રાવલપિંડી, સિયાલકોટ અને ખુઝદારમાં ૨૦ કિલોની થેલીના ભાવમાં અનુક્રમે રૂ. ૧૦૬, રૂ. ૧૩૩, રૂ. ૨૦૦ અને રૂ. ૩૦૦નો વધારો થયો છે. આ ઉપરાંત બહાવલપુર, મુલતાન, સુક્કુર અને ક્વેટામાં લોટની ૨૦ કિલોની થેલીની કિંમતમાં અનુક્રમે ૧૪૬ રૂપિયા, ૯૩ રૂપિયા, ૧૨૦ રૂપિયા અને ૧૧૦ રૂપિયાનો વધારો થયો છે.
એવા અહેવાલ હતા કે, વધતી જતી મોંઘવારી વચ્ચે પાકિસ્તાનના વિવિધ ભાગોમાં બજારોમાં છૂટક ખાંડના ભાવ પણ પ્રતિ કિલોગ્રામ રૂ. ૧૬૦ સુધીની વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે.પીબીએસને ટાંકીને, એઆરવાય ન્યૂઝે વધુમાં અહેવાલ આપ્યો છે કે, દેશના વિવિધ ભાગોમાં કરાચી, ઈસ્લામાબાદ અને રાવલપિંડી જેવા રિટેલ સ્તરે ખાંડના ભાવમાં રૂ. ૧૫૦ સુધીનો વધારો થયો છે. દરમિયાન લાહોર અને ક્વેટામાં ખાંડ અનુક્રમે ૧૪૫ રૂપિયા પ્રતિ કિલો અને ૧૪૨ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે.
ડાન ન્યુઝે આપેલા અહેવાલ અનુસાર ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા પાકિસ્તાનના કરાચીને વિશ્વના ટોચના પાંચ ‘ઓછામાં ઓછા રહેવા યોગ્ય’ શહેરી કેન્દ્રોમાં સ્થાન આપવામાં આવ્યું હતું.ઇઆઇયુના વૈશ્ર્વિક જીવંતતા સૂચકાંક ૨૦૨૩ માં, કરાચી ૧૭૩ શહેરોમાંથી ૧૬૯માં ક્રમે છે. માત્ર લાગોસ, અલ્જિયર્સ,ત્રિપોલી અને દમાસ્કસ કરાચીની નીચે છે.