પાકિસ્તાનમાં વીજળીનું સંકટ દિન પ્રતિદિન વિકટ બની રહ્યું છે. વારંવાર લાઈટ જવાના કારણે ટેલિકોમ ઓપરેટરોએ કહ્યું કે આવી સ્થિતિમાં ઈન્ટરનેટ અને કનેક્ટિવિટી સેવાઓ આપવી મુશ્કેલ છે. ટેલિકોમ કંપનીઓએ તો ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાની પણ ચેતવણી ઉચ્ચારી દીધી છે.
પાકિસ્તાનમાં દૂરસંચાર ઓપરેટરોએ દેશભરમાં લાંબા સમયથી વીજળી ગુલ રહેવાના કારણે મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાની ચેતવણી આપી છે. વારંવાર વીજળી કાપના કારણે સેવાઓમાં અડચણ આવે છે અને સંચાલનમાં સમસ્યાઓ રહે છે.
અત્રે જણાવવાનું કે વીજળી સંકટને જોતા ગત મહિને કરાચીમાં રાતે ૧૦ વાગ્યા પછી મોલ અને દુકાનો બંધ કરવાના આદેશ આપ્યા હતા. વીજળી સંકટના કારણે ભીષણ ગરમીમાં લોકોએ ખુબ પહેરાન પરેશાન થવું પડી રહ્યું છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે પહેલા જ વીજ સંકટને લઈને નિવેદન બહાર પાડ્યું હતું. શરીફે લોકોને ચેતવણી આપી હતી કે જુલાઈ મહિનામાં લોડ શેડિંગનો સામનો કરવો પડી શકે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનને જરૂરી લિક્વિડ ગેસ એલએનજીની આપૂર્તિ મળી શકી નથી જેને લીધે દેશે વીજ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.
અત્રે જણાવવાનું કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા હાલ મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે. દેશમાં વીજ સંકટ જ નહીં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ આકાશને આંબી રહ્યા છે. મોંઘવારી અને બેરોજગારીના કારણે સરકારે જનતાના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે.