ભારત સાથેના સંઘર્ષને લઈને પાકિસ્તાન એક પછી એક જૂઠાણું બોલી રહ્યું છે. એક તરફ, જ્યારે દેશના વડા પ્રધાન શાહબાઝ શરીફ વિનાશની ઉજવણી કરી રહ્યા છે, તો બીજી તરફ, પાકિસ્તાની સેના પણ વાહિયાત દાવા કરી રહી છે. ભારતીય હુમલામાં માર્યા ગયેલા કે ઘાયલ સૈનિકો અંગે પાકિસ્તાન તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી, પરંતુ તેના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝની હોસ્પિટલની મુલાકાતે પાકિસ્તાનના વધુ એક જુઠ્ઠાણાને ખુલ્લી પાડી દીધી છે.

તમને જણાવી દઈએ કે સોમવારે મરિયમ નવાઝે લાહોરમાં કમ્બાઈન્ડ મિલિટરી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ભારત સાથેની તાજેતરની લશ્કરી અથડામણમાં ઘાયલ થયેલા પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓને મળ્યા હતા. આ અથડામણમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા સૈનિકોની સંખ્યા અંગે પાકિસ્તાન સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપી નથી. એક વીડિયોમાં, મરિયમ નવાઝ હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં દાખલ સૈનિકો અને અધિકારીઓના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરતી જોવા મળી હતી. આ પહેલા પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે પણ હોસ્પિટલમાં ઘાયલ સૈનિકોને મળ્યા હતા.

દરમિયાન, મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા સાથે જાડાયેલા સંગઠન, પાકિસ્તાન મરકઝી મુસ્લીમ લીગ (પીએમએમએલ) એ લાહોરના લિબર્ટી ચોક ખાતે ‘વિજય માર્ચ’ કાઢી. આ રેલીનું નેતૃત્વ પીએમએમએલ લાહોરના પ્રમુખ એન્જીનિયર આદિલ ખાલિક અને મહાસચિવ મુઝમમીલ ઇકબાલ હાશ્મીએ કર્યું હતું. નવાઈની વાત એ છે કે ભારત સાથેના યુદ્ધમાં તેના તમામ એરબેઝ ગુમાવવા, આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા અને ૧૦૦ થી વધુ આતંકવાદીઓને માર્યા ગયા હોવા છતાં, પાકિસ્તાન ‘જશ્ન’ મનાવી રહ્યું છે.

૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે ૭ મેના રોજ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા હતા. આ પછી, પાકિસ્તાને ૮, ૯ અને ૧૦ મેના રોજ ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારત દ્વારા આપવામાં આવેલા કડક જવાબને કારણે પાકિસ્તાને કણસવાનું શરૂ કર્યું. ૪ દિવસ સુધી ચાલેલા ડ્રોન અને મિસાઇલ હુમલામાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું. ત્યારબાદ પાકિસ્તાને ભારતને લડાઈ બંધ કરવાની અપીલ કરી અને બંને દેશોના ડીજીએમઓ વચ્ચેની વાતચીત બાદ લડાઈ બંધ કરવામાં આવી.