પાકિસ્તાને કરાચીનાં નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટી ૨૦માં પણ વેસ્ટ ઈન્ડીઝને હરાવી કેરેબિયનનાં સૂપડા સાફ કરી દીધા છે. ત્રીજી ૨૦ સાત વિકેટે જીતીને પાકિસ્તાને ત્રણ મેચની ટી ૨૦ સીરીઝમાં મહેમાન ટીમનો સફાયો કરી દીધો છે.
પાકિસ્તાનનાં ઓપનર મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમે મળીને ટી ૨૦ ઈન્ટરનેશનલમાં નવો વર્લ્‌ડ રેકોર્ડ બનાવ્યો છે. આ જોડીએ ભારતનાં ઓપનર રોહિત શર્મા-શિખર ધવન અને રોહિત શર્મા-કેએલ રાહુલની જોડીનો વર્લ્‌ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. બાબર અને રિઝવાન હવે એકલા ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વિકેટ માટે સર્વોચ્ચ સદીની ભાગીદારીનો વિશ્વ વિક્રમ ધરાવે છે,
આ પહેલા ત્રણેય જોડીઓ સંયુક્ત રીતે પ્રથમ ક્રમે હતી. બાબર અને રિઝવાને વેસ્ટ ઈન્ડીઝ સામેની ટી ૨૦ ઈન્ટરનેશનલ સીરીઝની છેલ્લી મેચમાં પાંચમી વખત પ્રથમ વિકેટ માટે ૧૦૦થી વધુ રનની ભાગીદારી કરી હતી. રોહિત-ધવન અને રોહિત-રાહુલની જોડીએ ચાર વખત આવું કર્યું છે. બાબર અને રિઝવાને પ્રથમ વિકેટ માટે ૧૫૮ રનની ભાગીદારી કરી હતી અને પાકિસ્તાનને સાત વિકેટે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ રીતે પાકિસ્તાને ઘરઆંગણે ટી ૨૦ સીરીઝમાં ૩-૦થી ક્લીન સ્વીપ કરી લીધું હતું. કરાચીનાં નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ચોક્કા અને છક્કાનો જોરદાર વરસાદ થયો હતો.
પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડીઝે ત્રણ વિકેટે ૨૦૭ રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને ૧૮.૫ ઓવરમાં ત્રણ વિકેટે ૨૦૮ રન બનાવીને મેચ જીતી લીધી હતી. રિઝવાન ૮૭ અને બાબર ૭૯ રન બનાવીને આઉટ થયા હતા. રિઝવાને આ ઇનિંગ માત્ર ૪૫ બોલમાં રમી હતી અને આ દરમિયાન તેણે ૧૦ ફોર અને ૩ સિક્સર ફટકારી હતી. આ ઇનિંગ માટે રિઝવાનને મેન ઓફ ધ મેચ જોહેર કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ સીરીઝ દરમિયાન રિઝવાનનું બેટ ગરજ્યું હતુ અને આ કારણે તેને મેન ઓફ ધ સીરીઝ પણ જોહેર કરવામાં આવ્યો.