પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને તેમના પુત્ર હમઝા શાહબાઝ પર ધરપકડની તલવાર લટકી રહી છે. પાકિસ્તાનની તપાસ એજન્સી એફઆઇએએ મની લોન્ડરિંગના મામલામાં એફઆઇઆર નોંધી છે. હવે વડાપ્રધાન શાહબાઝ શરીફ અને તેમના પુત્રની ૧૪ અબજના મની લોન્ડરિંગ કેસમાં ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફની મુશ્કેલીઓ વધી રહી છે. મની લોન્ડરિંગ કેસમાં પીએમ શરીફ જેલમાં પણ જઈ શકે છે.
પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઇએ) એ શનિવારે ૧૬ અબજ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં વડા પ્રધાન શાહબાઝ શરીફ, તેમના પુત્ર અને પંજાબના મુખ્ય પ્રધાન હમઝા શાહબાઝની ધરપકડની માંગ કરી હતી. મીડિયામાં આવી રહેલા સમાચારો અનુસાર એફઆઇએએ કોર્ટને કહ્યું કે, તે આ કેસમાં પીએમ શરીફ અને તેમના પુત્રની ધરપકડ કરીને પૂછપરછ કરવા માંગે છે. જા કે કોર્ટે પીએમ શાહબાઝ શરીફ અને પંજાબના પીએમ હમઝા શરીફને ૧૧ જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે.
એફઆઇએએ સ્પેશિયલ કોર્ટ (સેન્ટ્રલ-૧)ને કહ્યું છે કે એજન્સી શાહબાઝ શરીફ અને તેમના પુત્રની વિરુદ્ધ નોંધાયેલા ૧૬ અબજ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવા માંગે છે. કોર્ટમાં શનિવારની સુનાવણી દરમિયાન, એજન્સીના વકીલે કહ્યું કે તેઓ તપાસનો ભાગ નથી. જાકે હમઝાના વકીલે દાવાઓને નકારી કાઢ્યા અને એફઆઇએ પર કોર્ટને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો.આ ઉપરાંત, એફઆઇએએ ૧૭,૦૦૦ ક્રેડિટ ટ્રાન્ઝેક્શનની મની ટ્રેલની તપાસ કરી છે.ઉલ્લેખનીય છે કે, ગત સુનાવણી દરમિયાન કોર્ટે વડાપ્રધાન શાહબાઝ અને તેમના પુત્ર હમઝા શાહબાઝની વચગાળાની જામીન ૪ જૂન સુધી લંબાવી હતી.