જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને ચીફ જસ્ટીસને પત્ર લખીને હાઇકોર્ટમાં કથિત પક્ષપાત, ૨૦૨૪ની ચૂંટણીમાં ગોટાળા અને અન્ય મુદ્દાઓ અંગે ફરિયાદ કરી છે. આ સમાચાર મીડિયામાં છવાઈ ગયા છે. સુપ્રીમ કોર્ટમાં ખાનના પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પક્ષના સંસદ સભ્ય લતીફ ખોસાએ મુખ્ય ન્યાયાધીશ યાહ્યા આફ્રિદીને પત્ર સુપરત કર્યો. ડોન અખબારે અહેવાલ આપ્યો છે કે ૧૬ સપ્ટેમ્બરના રોજ લખાયેલા આ પત્રમાં મુખ્ય ન્યાયાધીશ આફ્રિદીને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ ઇસ્લામાબાદ હાઇકોર્ટને કેટલીક “મહત્વપૂર્ણ અરજીઓ” માટે સુનાવણી શેડ્યૂલ કરવા નિર્દેશ આપે જે “અનિશ્ચિતતાના વમળમાં લટકી રહી છે.”ઇમરાન ખાને ઇસ્લામાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના કથિત “શંકાસ્પદ વર્તન” વિશે પણ લખ્યું હતું. તેમણે પત્રમાં દાવો કર્યો હતો કે મુખ્ય ન્યાયાધીશ સરફરાઝ ડોગર “૨૬મા સુધારાને કારણે પોતાનું પદ સંભાળી રહ્યા છે” અને અલ કાદિર ટ્રસ્ટ અરજીઓ અને તોશાખાના રિવિઝન અરજીઓનો યોગ્ય રીતે નિકાલ કરવાનો “ઇરાદાપૂર્વક ઇનકાર” કર્યો છે. ખાને આરોપ લગાવ્યો હતો કે, “તેમણે (જસ્ટીસ ડોગરે) નિષ્પક્ષતાનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે અને ઇસ્લામાબાદ હાઇકોર્ટને મારા અને મારી સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ અન્યાયી અને જુલમી અભિયાનનો મુખ્ય સૂત્રધાર બનાવી દીધો છે.”ખાન (૭૨), જે ક્રિકેટરમાંથી રાજકારણી બન્યા છે, ઘણા કેસોમાં બે વર્ષથી વધુ સમયથી જેલમાં છે. તેઓ હાલમાં રાવલપિંડીની આદિયાલા જેલમાં બંધ છે. ખાને એવો પણ દાવો કર્યો હતો કે તેમની પાર્ટી, પીટીઆઈ, ગયા વર્ષની સામાન્ય ચૂંટણીઓમાં “ક્રૂર યુક્તિઓ, બધા સ્પષ્ટવક્તા અવાજાને દબાવવા અને મારી કેદ છતાં” જંગી વિજય મેળવ્યો હતો. તેમણે લખ્યું, “છતાં, લોકોનો જનાદેશ રાતોરાત ચોરાઈ ગયો, લોકશાહીને મજાક બનાવી દેવામાં આવી, અને બંધારણને બલિનો બકરો બનાવવામાં આવ્યો.” લીક થયેલા કોમનવેલ્થ ૨૦૨૪ના અહેવાલમાં પણ આ (દાવો)ની પુષ્ટિ થઈ છે.
જાકે પાકિસ્તાન પર કોમનવેલ્થ ઓબ્ઝર્વર ગ્રુપ (સીઓજી)નો રિપોર્ટ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી, એક સમાચાર સંસ્થાએ દાવો કર્યો હતો કે ચૂંટણીમાં અનિયમિતતાઓ શોધી કાઢ્યા પછી જૂથે “તેનો અહેવાલ દફનાવી દીધો”. ખાને કહ્યું, “કહેવાતા ૨૬મા બંધારણીય સુધારાનો ઉપયોગ આ ચૂંટણી ચાંચિયાગીરીને પવિત્ર કરવા માટે એક હથિયાર તરીકે કરવામાં આવ્યો છે, જ્યારે તેને પડકારતી અરજીઓ તમારી કોર્ટમાં સાંભળવામાં આવી નથી.”







































