એક ઝાડ હતું. આખુંય ઝાડ લીલાં પાંદડાંથી શોભતું હતું. પવનની સાથે લીલાં પાંદડાં ફરફર ફરકે ને મરકમરક મલકે. આ બધાં પાંદડાંમાં ઝાડની ટોચે એક મજાનું નાનું પાંદડું હતું. જે પોતાને ખૂબ જ શાણું અને મજાનું માનીને રહેતું હતું. ઝાડની ટોચે મોજથી હવામાં લહેરાતું રહેતું.
એક વખત આ નાના પાનને ઝાડની નીચે ‘ફડફડ ફડફડ’ અવાજ સંભળાયો. એને થયું આ ‘ફડફડ ફડફડ’ અવાજ કોણ કર્યા કરતું હશે? જ્યારે જુઓ ત્યારે બસ અવાજ કર્યા છે. એમનો અવાજ આ સરસ મજાના શાંત વાતાવરણમાં ખલેલ કરે છે. એણે નીચે જોયું. એની નજર સૂકા પાંદડાં પર પડી. એ તરત તાડૂકીને બોલ્યું, “ઓહો! તો આ તમારો જ અવાજ છે! આ તમે સાવ સૂકાઈને વિલાઈ ગયા છો. છતાં પણ તમે ઝપીને બેસતાં નથી કે શાંત રહેતાં નથી. આ તમારું શરીર તો જુઓ, સાવ વિલાઈ ને સૂકાઈ ગયું છે. આ મારી સામે જુઓ! હું કેવું નમણું ને લીલુંલીલું છું.” એમ કહી નાનું પાંદડું હસવા લાગ્યું.
સૂકાં પાંદડાંએ શાંતિથી જવાબ આપ્યો, “અરે નાનકા, તું જરા શાંતિ રાખ. અમે પણ એક સમયે તારા જેવા જ નાના, નમણા અને લીલાંલીલાં હતાં. અમે પણ તારી જેમ આ ઝાડની શોભા હતા. અમે પણ તારી જેમ જ આ ઝાડ પર રહેતાં, રમતાં ને હસતાં હતા.”
“તો… તો પછી હવે આમ કેમ નીચે પડ્‌યાં છો. આ ઝાડ પર જ રહેવું’તું ને!” – પાંદડું ફરી ઉત્તેજિત થઈને બોલ્યું.
“અરે નાનકા! તું હજુ નાનું છે. ધીરેધીરે તું પણ મોટું થઈશ. ને જ્યારે તું અમારી જેવડું થઈશ ત્યારે તું પણ આપોઆપ ઝાડ પરથી ખરી પડીશ. આ જ કુદરતનો ક્રમ છે. પછી તું પણ અમારી જેમ ‘ફડફડ ફડફડ’ અવાજ કરીશ.”
લીલું પાંદડું હસી પડ્‌યું અને કહ્યું, “ના ના, હું તો ક્યારેય તમારી જેમ સૂકું નહીં બનું! હું તો છું એવું જ લીલુંલીલું રહીશ. અહીં જ રહીશ ને અહીં જ રમીશ.”
એક દિવસ ભારે પવન ફૂંકાયો. આખુંય ઝાડ હાલકડોલક થતું હતું. પેલું નાનું લીલું પાંદડું પણ ભારે પવનને સહન ન કરી શક્યું અને તૂટીને જમીન પર આવી ગયું. હવે તે પણ પેલાં સૂકાં પાંદડાં સાથે હતું. સૂકાં પાંદડાંએ કહ્યું, “જોયું ને નાનકા! તું પણ તૂટીને નીચે આવી ગયું ને! પણ તું જરાય ચિંતા ન કરીશ. આપણે અહીં સાથે રમશું, ગાશું ને હસશું! મજા કરીશું.
સૂકાંની વાત સાંભળી પાંદડું શરમાઈ ગયું. હવે તેને બધું સમજાઈ ગયું.
Mo ૯૦૯૯૧૭૨૧૭૭