સુરતમાં પાંડેસરા તેરે નામ ચોકડી નજી બે વેપારીઓ પર જીવલેણ હુમલો કરી ૫ મિનિટમાં ચપ્પુના ૧૦-૧૫ ઘા મરાતા ૧૦ કલાકમાં બન્નેના મોત નીપજતા પોલીસ દોડતી થઈ ગઈ છે. હુમલાખોરોએ ભોળા નામના ઇસમની છાતી પર બેસી ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે. ભોળા અને પ્રવીણ હત્યા કેસમાં સંડોવાયેલા હત્યારા બે પૈકી એકના ભાઈ સામે ૪ હત્યા કેસ ચાલી રહ્યા હોવાનું અને તડીપાર હોવા છતાં સુરતમાં જ પડ્યો પાથર્યો રહેતો હોવાનું મરનારના મિત્રોએ જણાવ્યું છે.
નામ ન લખવાની શરતે એક મિત્રએ જણાવ્યું હતું કે ઘટના શનિવારની રાતની છે. ભોલા ઉર્ફે શિવ શંકર સુભાષચંદ્ર જેસવાલ (ઉ.વ. ૩૨, રહે. પાંડેસરા રાધે શ્યામ નગર), પ્રવીણ બાબુલાલ સોલંકી (ઉ.વ. ૨૨, રહે. ગાયત્રી નગર, પાંડેસરા) બન્ને મિત્રો બંટી શુકલા સાથે ઉભા હતા. ત્યારે અચાનક બાઇક ઉપર આવેલા બે ઈસમોએ પ્રવીણ પર જીવલેણ હુમલો કરી ઉપરા ઉપરી ઘા માર્યા હતા. ભોળાભાઈ બચાવવા જતા એની પીઠ પર ૩ ઘા મરાયા, જમીન પર પડી જતા છાતી પર બેસીને ઘા મારી હુમલાખોરો ભાગી ગયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે જોહેરમાં થયેલા આ હુમલા બાદ ભોળાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બન્નેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા ભોળાને મૃત જોહેર કરાયો હતો. જ્યારે
પ્રવીણનું લીવર ફાટી જતા લોહી નીકળી જવાથી ઓપરેશનમાં લેવાતા જ સવારે ૫ વાગે મોત નીપજ્યું હતું. પ્રવીણ રાજસ્થાનનો રહેવાસી અને ભોળાભાઈ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા.
વધુમાં જણાવ્યું હતું કે ભોળા અને પ્રવીણ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીના ભાઈ ઉપર ચાર હત્યા કેસ ચાલી રહ્યા છે. તડીપાર હોવા છતાં સુરતમાં ખુલ્લેઆમ ફરે છે અને ગોરખધંધાઓ સાથે સંકળાયેલા છે. બન્ને મિત્રોની નિમર્મ હત્યા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.