પરિમલે સ્નાન ઈત્યાદિ ઝટપટ પતાવ્યું. સવારના નાસ્તા જોડે બપોર સારુ ટિફિન બાનાવ્યું.
નાસ્તો કર્યો. ટિફિન ભર્યું.
પાંજરામાં પોપટ સારુ આખા દિવસનો ખોરાક રાખી પાંજરું  બંધ કર્યું.
થેલો,ટિફિન હાથમાં લીધા. વાસસ્થાનનો મુખ્ય દ્વાર બંધ કર્યો.
અંદર પોપટે પાંખો ફફડાવીને આખેઆખું પીંજરું હચમચાવી નાખ્યું. દરવાજે તાળું લટકાવ્યું.
પરિમલે કાર્યશાળા ભણી પગ માંડ્યા. જેમજેમ  પગ આગળ વધતા ગયા, તેમતેમ બંધ ઘરમાંથી આવતો પોપટના પાંખો ફફડાવવાનો શોર મંદ પડતો ગયો.આખરે શૂન્ય થઇ ગયો.
    વિધુર પરિમલની આ જ નિત્યક્રમ મુજબ સવાર-સાંજ  પડતી.
   કોરોના આવ્યો. શહેર લોકડાઉન થયું.કાર્યશાળા એ જાવાનું બંધ થયું. આંખો દિવસ ઘરે જ રે’વાથી, કિંચિત્ દિવસોમાં પરિમલને  પોતાનું ઘર પાંજરાં કીસમનું ભાંસવા લાગ્યું. અચાનક પોપટના ફફડાટનો અવાજ આવ્યો. પરિમલની નજર પાંજરાં તરફ ખેંચાણી. પાંજરાં માંહે પોતાનું જ પ્રતિબિંબ દેખાયું.નજર ત્યાં જ ચોટી ગઇ.
  સોફા પરથી ઊભા થઈને પાંજરું બાલ્કનીમાં લાવી ખોલ્યું. પોપટને છૂટો મુક્યો. પોપટે પાંખો ફફડાવી ને  આકાશ ભણી ઉડ્યો. આકાશમાં ઉડતો પોપટ દ્રષ્ટિ પાર ગયો ત્યાં સુધી પરિમલ પોપટને એકીટશે  નિરખતો રહ્યો.