ગુજરાતમાં લોકસભા બેઠકોની ૨૫ બેઠકો પર મંગળવારે શાંતિપૂર્ણ મતદાન થયું છે. ક્ષત્રિય સંકલન સમિતિનો દાવો છે કે આ વખતે ગુજરાતમાં ભાજપ સાત બેઠકો ગુમાવશે. તેમા ચાર બેઠકો પર ભારે રસાકસી છે. ક્ષત્રિય આંદોલનના લીધે ભાજપને સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર અને ભરૂચ પર જીત મેળવવી અઘરી છે.
મતદાનના દિવસે ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં લોકોમાં ભારે ઉત્સાહ જાવા મળ્યો હતો. મતદાન પૂરું થયા પછી ક્ષત્રિય સંકલન સમિતિએ પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા મતવિસ્તારમાં ૮૦ ટકાથી વધારે મતદાન થયું છે. તેની સામે નીરસ મતદાનના લીધે ભાજપના કાર્યકરોએ થાળીઓ લઈને નીકળવું પડ્યું હતું. સંકલન સમિતિનો બોલ ક્ષત્રિય સમાજે ઝીલ્યો છે, જેના લીધે વધારે મતદાન થયું છે. આ ઉપરાંત ક્ષત્રિયોને અન્ય સમાજનો સાથ સહકાર મળ્યો છે. મતદાનના દિવસ સુધી કોઈ અનિશ્ચિત ઘટના કે ઘર્ષણ થયું નથી.

ક્ષત્રિય સંકલન સમિતિના મતે જે રીતે મતદાન થયું છે તે જાતાં ગુજરાતમાં ભાજપ સાતેક બેઠકો ગુમાવશે. ચારેક બેઠકો પર રસાકસી જામશે. અન્ય બેઠકો પર પાંચ લાખની લીડથી જીત મેળવવાના સપના પૂરા નહી થાય.