ભારતે પ્રથમ ટી ૨૦ મેચમાં દક્ષિણ આફ્રિકાને ૧૦૧ રનથી હરાવી દીધું છે. આ મેચમાં જસપ્રીત બુમરાહે તેમના ટી ૨૦ ઇન્ટરનેશનલ કરિયરની ૧૦૦ વિકેટ પૂરી કરી છે. કટકમાં રમાયેલી આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતાં ૧૭૫ રનનો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર ૭૪ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

અત્યાર સુધી કટકના બારાબતી સ્ટેડિયમમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવી શકી ન હતી. અત્યાર સુધી રમાયેલી બન્ને મેચોમાં અહીં દક્ષિણ આફ્રિકાએ ભારતને હરાવ્યું હતું, પરંતુ સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં આ વખતે ટીમ ઇન્ડિયાએ આફ્રિકાને ૧૦૧ રનની મોટી હારનો સ્વાદ ચખાડ્યો છે.

ભારતીય ટીમ માટે કોઈ પણ બેટ્‌સમેન મોટી ઇનિંગ્સ રમવામાં સફળ રહ્યો ન હતો. સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ અને અભિષેક શર્મા પણ ફ્લોપ રહ્યા હતા. એક તરફથી સતત વિકેટો પડતી રહી, પરંતુ હાર્દિક પંડ્યાએ ૨૮ બોલમાં અણનમ ૫૯ રનની તોફાની ઇનિંગ્સ રમી. એક સમયે ટીમ ઇન્ડિયાનો સ્કોર ૧૨ ઓવરમાં ૮૦/૪ હતો, પરંતુ અહીંથી હાર્દિકના બેટથી એવો પ્રહાર થયો કે અંતિમ ૮ ઓવરમાં ટીમ ઇન્ડિયાએ ૯૫ રન બનાવી દીધા. આ રીતે ભારતીય ઇનિંગ ૧૭૫ રન પર સમાપ્ત થઈ.

જસપ્રીત બુમરાહ ટી ૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિકેટોની સદી (૧૦૦ વિકેટ) પૂર્ણ કરનાર બીજા ભારતીય બોલર બની ગયો છે. તેમના પહેલા અર્શદીપ સિંહ આવું કરી ચૂક્યા છે, જેમની હાલમાં ૧૦૭ વિકેટ છે. બુમરાહે આંતરરાષ્ટ્રીય ટી ૨૦ ક્રિકેટમાં ૭૮ ઇનિંગ્સમાં વિકેટની સદી પૂરી કરી છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા પણ ટી ૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિકેટની સદી પૂરી કરવાથી માત્ર એક ડગલું દૂર છે.

૧૭૫ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટીમનું ખાતું પણ નહોતું ખૂલ્યું ત્યાં જ ક્વીન્ટન ડિકોક આઉટ થઈ ગયો. આફ્રિકની ટીમના ટોપ સ્કોરર ડેવાલ્ડ બ્રેવિસ રહ્યા, જેમણે ૨૨ રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકાના માત્ર ચાર ખેલાડી જ રનના મામલે બે આંકડાનો આંકડો પાર કરી શક્યા. હવે ટીમ ઇન્ડિયા પાંચ મેચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે

ભારત માટે અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી. જ્યારે હાર્દિક પંડ્યા અને શિવમ દુબે પણ એક-એક વિકેટ ઝડપી હતી.