કેન્દ્ર સરકારે સંયુક્ત કિસાન મોર્ચા તરફથી બનાવવામાં આવેલી પાંચ સભ્યોની કમિટીને તેની બાકી માંગોને લઈને એક લેખિત પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે પહેલાં આંદોલન વાપસીની જાહેરાત કરવામાં આવે અને પછી કેસ પરત લેવાશે, એમએસપીને લઈને કમિટી બનાવવામાં આવશે અને યોગ્ય વળતર ચુકવવામાં આવશે.

સિંધુ બોર્ડર પર સરકારના આ પ્રસ્તાવ પર બે કલાક કરતા વધુ સમય સુધી ચાલેલી સંયુક્ત કિસાન મોર્ચાની બેઠકમાં ચર્ચા થઈ છે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રના પ્રસ્તાવ પર કિસાન નેતાઓ એક નથી. સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રના લેખિત પ્રસ્તાવમાં વીજળી સંશોધન બિલ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર  મિશ્રનો કોઈ ઉલ્લેખ નથી. પ્રસ્તાવ પર પહેલા તો કિસાન મોર્ચાની પાંચ સભ્યોની કમિટીએ આપસમાં ચર્ચા કરી ત્યારબાદ આ મુદ્દા પર બેઠકમાં વાતચીત થઈ છે.

બેઠકમાં ઘણા કિસાન સંગઠને સરકારના પ્રસ્તાવથી સંતોષ વ્યક્ત કર્યો છે. બેઠકમાંથી બહાર આવ્યા બાદ કિસાન નેતા કુલવંત સંધુએ કહ્યુ કે, બેઠકમાં ઘણી માંગો પર સહમતિ બની છે અને કાલે જાહેરાત થઈ જશે. પરંતુ આ કિસાન મોર્ચાનું સંયુક્ત નિવેદન નથી.

સરકાર તરફથી કિસાનોને જે જવાબી પત્ર મોકલવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે એમએસપીપર પ્રધાનમંત્રીએ ખુદ અને બાદમાં કૃષિ મંત્રીએ એક કમિટી બનાવવાની જાહેરાત કરી છે, જે કમિટીમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કિસાન સંગઠનોના પ્રતિનિધિ અને કૃષિ વૈજ્ઞાનિક સામેલ હશે. અમે તેમાં સ્પષ્ટ કરીએ છીએ કે કિસાન પ્રતિનિધિમાં એસકેએમના પ્રતિનિધિ પણ સામેલ થશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે  સંસદમાં ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે લોકસભામાં સરકાર પાસે માંગ કરી છે કે ,આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતોને વળતર મળવું જાઈએ અને પરિવારના સભ્યોને નોકરી મળવી જાઈએ. કેન્દ્ર સરકારને ઘેરતા તેમણે કહ્યું કે છછઁની સરકાર કહી રહી છે કે કોઈ ખેડૂત શહીદ નથી થયો અને તમારા નામ નથી. લોકસભામાં ખેડૂતોના આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતોના નામ બતાવતા તેમણે કહ્યું કે ખેડૂતોને તેઓ જે હકદાર છે તે મળવું જાઈએ.

આવતા વર્ષની શરૂઆતમાં યુપી, ઉત્તરાખંડ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. સરકાર ઇચ્છતી નથી કે આ ચૂંટણીઓમાં ખેડૂતોના આંદોલન અને ગુસ્સાનો માર ભાજપને સહન કરવો પડે. સૌથી મોટી સમસ્યા યુપીની છે, જ્યાં પશ્ચિમ યુપીમાં જાટ ખેડૂતો બહુમતીમાં છે.

આ સિવાય કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કિસાનોના આંદોલનના સમયે કેસોનો સવાલ છે યૂપી સરકાર અને હરિયાણા સરકારે તે માટે સંપૂર્ણ સહમતિ આપી છે કે આંદોલન પરત લીધા બાદ તત્કાલ કેસ પરત લેવામાં આવશે. સાથે કિસાન આંદોલન દરમિયાન ભારત સરકારના સંબંધિત વિભાગ અને કેન્દ્રશાસિત પ્રદેશના આંદોલનના કેસ પણ આંદોલન પરત લીધા બાદ પરત લેવાની સહમતિ બની છે.

સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી વળતરનો સવાલ છે તે માટે પણ હરિયાણા અને યૂપી સરકારે સૈદ્ધાંતિક સહમતિ આપી છે. બંને વિષયોના સંબંધમાં પંજાબ સરકારે પણ જાહેરાત કરી છે. જ્યાં સુધી ઇલેક્ટ્રીસિટી બિલનો સવાલ છે, સંસદમાં રજૂ કરતા પહેલા તેને લઈને તમામ સ્ટેકહોલ્ડર્સનો મત લેવામાં આવશે. પરાલીના મુદ્દા પર સરકારે કહ્યું કે, કેન્દ્રએ જે કાયદો પસાર કર્યો છે તેની કલમ ૧૪ તથા ૧૫માં ક્રિમિનલ લાઇબિલિટીથી કિસાનને મુક્તિ આપવામાં આવી છે.