જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. દરમિયાન, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શહીદનો દરજ્જા આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે તેઓ પીડિત પરિવારોના દુઃખમાં તેમની સાથે ઉભા છે અને તેમની માંગને સંપૂર્ણ સમર્થન આપે છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરીને લખ્યું કે હું પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો સાથે તેમના દુઃખમાં ઉભો છું અને માંગ કરું છું કે તેમને શહીદનો દરજ્જા આપવામાં આવે. તેમણે કહ્યું કે હું પ્રધાનમંત્રીને વિનંતી કરું છું કે તેઓ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારોની ભાવનાઓનું સન્માન કરીને તેમને આ સન્માન આપે.
તમને જણાવી દઈએ કે બુધવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કાનપુરમાં હુમલાનો ભોગ બનેલા શુભમ દ્વિવેદીના પરિવારને મળ્યા હતા. તેમણે જણાવ્યું કે પરિવારે તેમને કહ્યું હતું કે તેમના પુત્રને શહીદનો દરજ્જા આપવો જાઈએ. આ પછી, પત્રકારો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું કાનપુરમાં એક પીડિત પરિવારને મળ્યો.
રાહુલ ગાંધીએ કહ્યું કે પીડિત પરિવારે મને પ્રધાનમંત્રી સુધી તેમનો સંદેશ પહોંચાડવા કહ્યું કે અમારા બાળકો શહીદ થયા છે અને તેમનું સન્માન થવું જાઈએ. તેમણે વધુમાં કહ્યું કે વિપક્ષ આ મામલે ગંભીર છે અને પીડિતોને ન્યાય અપાવવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ૨૨ એપ્રિલ, મંગળવારના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરીને ૨૬ લોકોની ક્રૂરતાથી હત્યા કરી હતી. લશ્કરી ગણવેશમાં સજ્જ આતંકવાદીઓએ પહેલા પહેલગામની બૈસરન ખીણમાં પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યું, તેમના ઓળખપત્રો તપાસ્યા અને પછી તેમને ગોળી મારીને હત્યા કરી દીધી, એમ કહીને કે તેઓ હિન્દુ છે. ૩ જુલાઈથી શરૂ થઈ રહેલી શ્રી અમરનાથ યાત્રા પહેલા પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જાડાયેલા જૂથ, રેઝિસ્ટન્સ ફ્રન્ટે આ કાયરતાપૂર્ણ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ફેબ્રુઆરી ૨૦૧૯ માં પુલવામા હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે. તે હુમલામાં ૪૭ સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા.