એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ સોમવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સહિત અનેક જિલ્લાઓમાં એક સાથે દરોડા પાડ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રેતી દાણચોરી રેકેટમાં કથિત રીતે સામેલ લોકો અને કંપનીઓને લક્ષ્ય બનાવીને દરોડા પાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ કેસમાં બેહાલા, રેસિડેન્ટ પાર્ક, બિધાનનગર અને કલ્યાણી જેવા ઘણા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. દરોડા પાડનારા ઈડી અધિકારીઓ સાથે ઘણા કેન્દ્રીય સુરક્ષા કર્મચારીઓ પણ હાજર હતા. ઈડી અધિકારીઓ કુલ ૨૨ સ્થળોએ દરોડા પાડયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈડીએ તાજેતરમાં રેતીની દાણચોરી અંગે એક નવી ઇસીઆઇઆર એટલે કે એફઆઇઆર નોંધી છે. રેતીની દાણચોરીના સંદર્ભમાં ઘણા જિલ્લાઓમાં ઈડીની કાર્યવાહી ચાલી રહી છે.
અહેવાલ મુજબ, ઝારગ્રામના ગોપીવલ્લભપુરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડીએ ઉદ્યોગપતિ શેખ જાહિરુલ અલીના ઘરની તલાશી લીધી હતી. શેખ જાહિરુલનું સ્વર્ણરેખા નદીના કિનારે ત્રણ માળનું ઘર છે અને તેના પર ઘણા વર્ષોથી રેતીની દાણચોરીમાં સામેલ હોવાનો આરોપ છે. જાહિરુલ અગાઉ ગ્રામ્ય પોલીસમાં હતો, પરંતુ નોકરી છોડી દીધા પછી, તેણે રેતીનો ધંધો શરૂ કર્યો. કુલ ૪-૫ ઈડ્ઢ ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, અને તમામ સ્થળોએ કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
ઈડીની કોલકાતા ટીમે ઝારગ્રામમાં પણ દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ ઝારગ્રામના બેલિયાટોર પોલીસ સ્ટેશન હેઠળના ભામલ ગામમાં દરોડા પાડ્યા હતા. રેતીના વેપારી અનંત બેરાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. અગાઉ, અનંત બેરાના પુત્ર અમરજીત બેરાની ૨ મેના રોજ નયાગ્રામ પોલીસે ધરપકડ કરી હતી. તેના પર ગેરકાયદેસર ખાણકામ સહિત અનેક આરોપો છે. ઝારગ્રામ કાર્યવાહી ઉપરાંત, કેન્દ્રીય એજન્સી બેહાલાના જેમ્સ લોંગ સરાનીમાં એક ઘરમાં પણ તપાસ કરી રહી છે. આ ઇમારત ગેરકાયદેસર રેતીના વેપારમાં સંડોવાયેલી હોવાની શંકા છે. આ સ્થળે પોલીસ દળો પણ તૈનાત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જ સંસ્થાનું બીજું કાર્યાલય સોલ્ટ લેકના સેક્ટર ૫ માં છે. કેન્દ્રીય એજન્સી લાંબા સમયથી ગેરકાયદેસર રેતી ખાણકામની તપાસ કરી રહી છે અને આ વ્યવસાયમાંથી કમાયેલા ગેરકાયદેસર નાણાંના વ્યવહારો પર નજર રાખી રહી છે.








































