કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મધ્યપ્રદેશની મુલાકાતે નીમચ જિલ્લામાં સીઆરપીએફના ૮૬મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપી. આ દરમિયાન, તેમણે ૨૦૨૬ સુધીમાં દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. શાહે કહ્યું કે નક્સલવાદ, જે ભારતના ફક્ત ચાર જિલ્લાઓ સુધી મર્યાદિત છે, તે આવતા વર્ષે ૩૧ માર્ચ સુધીમાં નાબૂદ થઈ જશે અને સીઆરપીએફ આ મિશનની “કરોડરજ્જુ” છે.

કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું, ‘પશુપતિનાથથી તિરુપતિ સુધી લાલ આતંક ફેલાવવાનું સ્વપ્ન જોનારા નક્સલીઓ આજે ફક્ત ચાર જિલ્લાઓ સુધી સીમિત છે.’ આમાં સીઆરપીએફનો સૌથી મોટો ફાળો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દેશમાં નક્સલવાદનો ખતરો ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં સમાપ્ત થઈ જશે. શાહે કહ્યું કે સીઆરપીએફ ખાસ કરીને તેની કોબ્રા બટાલિયન, દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવામાં મોટી ભૂમિકા ભજવી રહી છે.

કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શનએ સીઆરપીએફનું એક ખાસ યુનિટ છે, જે ગેરિલા અને જંગલ યુદ્ધમાં, ખાસ કરીને નક્સલી ખતરાનો સામનો કરવામાં તેની નિપુણતા માટે જાણીતું છે. શાહે કહ્યું, સીઆરપીએફ એ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ૪૦૦ થી વધુ ફોરવર્ડ ઓપરેશનલ બેઝ સ્થાપિત કર્યા છે. આ કારણે, આ વિસ્તારોમાં હિંસા ૭૦ ટકાથી વધુ ઘટી ગઈ છે અને અમે હવે તેનો અંત લાવવાની નજીક છીએ.

તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષામાં સીઆરપીએફનું યોગદાન અજાડ છે, પછી ભલે તે કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ સામે લડવાનું હોય, પૂર્વોત્તરમાં શાંતિ સુનિશ્ચિત કરવાનું હોય કે આજે કટ્ટર નક્સલીઓને ફક્ત ચાર જિલ્લાઓ સુધી મર્યાદિત રાખવાનું હોય. આ બધી સિદ્ધિઓમાં સીઆરપીએફ  જવાનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કોઈ પણ પુસ્તક તેમની બહાદુરી, ફરજની ભાવના અને હિંમત સાથે ન્યાય કરી શકતું નથી.

ગૃહમંત્રીએ કહ્યું, ‘કોબ્રા બટાલિયન બહાદુરીનું પ્રતીક બની ગયું છે. હું ૮૬મી પરેડ માટે બધા કોબ્રા સૈનિકોને અભિનંદન આપું છું અને તેમની હિંમત બદલ આભાર માનું છું. અને આજે હું જાહેર કરું છું કે ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં ભારતમાંથી નક્સલવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. આ રાષ્ટ્રએ લીધેલી પ્રતિજ્ઞા છે અને સીઆરપીએફ  આ મિશનની કરોડરજ્જુ છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આજે કોબ્રા કમાન્ડો નજીક આવતા અવાજ સાંભળીને સૌથી ભયાનક નક્સલીઓ પણ ધ્રૂજી જાય છે. આ દરમિયાન શાહે કહ્યું કે ૨,૨૬૪ સીઆરપીએફ  જવાનોએ દેશની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું અને કૃતજ્ઞ રાષ્ટ્ર વતી તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું, ‘આઝાદીના ૧૦૦ વર્ષના ઇતિહાસમાં સીઆરપીએફ શહીદોની બહાદુરીની અમર ગાથા સુવર્ણ અક્ષરોમાં અંકિત રહેશે.’

આ વર્ષે, વિસ્તૃત ઉજવણીના ભાગ રૂપે ૧૭ એપ્રિલના રોજ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ ભાગ લીધો હતો. સીઆરપીએફ દિવસ દર વર્ષે ૧૯ માર્ચે ઉજવવામાં આવે છે કારણ કે ૧૯૫૦ માં આ દિવસે તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે દળને ધ્વજ અર્પણ કર્યો હતો. બ્રિટિશ શાસન દરમિયાન ૨૭ જુલાઈ ૧૯૩૯ ના રોજ નીમચમાં ‘ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસ’ ની સ્થાપના કરવામાં આવી હતી. ૨૮ ડિસેમ્બર ૧૯૪૯ના રોજ તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા તેનું નામ બદલીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ રાખવામાં આવ્યું.