– તખ્તેશ્વર મહાદેવ મંદિર (ભાવનગર)
સૌરાષ્ટ્રમાં આવેલા ભાવનગર શહેરની મધ્યમાં નાનકડી ટેકરી પર આવેલા તખ્તેશ્વર મહાદેવ મંદિર શિવલિંગ ફરતે સોનાનો થાળ ધરાવતું મંદિર હોઇ, જે સંપૂર્ણપણે સફેદ આરસપહાણના પથ્થરથી ઊંચી પ્લીન્થ પર નિર્માણ કરેલું મંદિર છે. ૧૮૯૩ની સાલમાં નિર્માણ પામેલું તખ્તેશ્વર મહાદેવ મંદિર એટલી ઊંચાઇ પર આવેલું છે કે, અહીંથી ભાવનગર શહેરનું વિહંગાવલોકન કરવાનો અર્થાત્ ઊંચાઇ ઉપરથી જોવાનો અનેરો લહાવો મળે છે.
ભાવનગર રજવાડાના તખતસિંહજી ગોહીલ પોતાની યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યા બાદ, તેઓએ એક સંત-મહાત્માના આદેશથી નર્મદા નદીના કિનારેથી શિવલિંગ મગાવી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હોવાનું કહેવાય છે.
……….
– ગૌતમેશ્વર મહાદેવ મંદિર (સિહોર)
ભાવનગર જિલ્લાના સિહોર ગામ પાસેની ડુંગરમાળામાં ગૌતમી નદીના વહેણની નજીકમાં ડુંગરની કોતરમાં આવેલું ગૌતમેશ્વર મહાદેવ મંદિર તેના પ્રાકૃતિક સૌંદર્યના કારણે જાણીતું છે. આ મંદિર સિંહોર બસ સ્ટેશનથી આશરે ૩ કિ.મી.ના અંતરે આવેલું છે.
ગૌતમ ઋષિ ફરતા-ફરતા આ સ્થળે આવી પહોંચ્યા બાદ સાંજ પડતા, તેમણે રાતવાસો અહીં જ કરવાનું વિચાર્યું. તે મુજબ અહીં રાતવાસો કર્યા બાદ સવારે ઉઠીને જોયું તો, એક જગાએ ગાયના આંચળમાંથી દૂધનો અભિષેક થઇ રહ્યો છે. એ જગાની માટી હટાવીને જોતા એમને એક શિવલિંગ દેખાઇ આવ્યું હતું. આ શિવલિંગ દેખાયાનું મંદિર પરિસરમાં કોતરેલી તક્તી પર દર્શાવેલું છે. શિવલિંગ મળ્યા પછી ગૌતમ ઋષિએ આ સ્થળે વરુણદેવનું આહવાન કર્યું, તેમના આહવાનથી નદી માતા પ્રગટ થયાં જે આજની ગૌતમી નદી તરીકે જાણીતી છે. ગૌતમેશ્વર મહાદેવ મંદિર સંકુલના પરિસરમાં મુકેલી મંદિરના ઈતિહાસની માહિતી આપતી તક્તીમાં આ બાબતનો ઉલ્લેખ છે.
કાનપુરનો ઘેરા પછી એવું જાણવા મળે છે કે બીબીગઢની ઘટના પછી નાનાસાહેબ પેશ્વા અદ્રશ્ય થઇ ગયા. અંગ્રેજોએ તેમને શોધવા માટે ઘણા પ્રયાસો કર્યા પરંતુ તે મળ્યા નહિ. આ સમયે નાનાસાહેબ ગુજરાતમાં આવ્યા હતા તેવું જાણવા મળે છે કારણ કે તેના સાથી તાત્યા ટોપે છોટાઉદેપુરમાં આવ્યા હતા. ગુજરાતમાં ભ્રમણ કરતાં કરતાં નાનાસાહેબ સૌરાષ્ટ્રના ગોહિલવાડ પંથકમાં આવ્યા આ પ્રદેશ ગિરિમાળાઓથી
સમૃદ્ધ હતો તેથી નાનાસાહેબને આ વિસ્તાર છુપાવા માટે યોગ્ય લાગ્યો. તેઓ સિંહોર કે સિંહપુરની ગિરિમાળાઓમાં રહ્યા હતા. થોડો સમય નાના સાહેબ પેશ્વા છુપા વેશે આ મંદિરની આજુબાજુમાં આવેલા ડુંગરો પરનાં જંગલમાં અને કોતરોમાં છુપાઈને રહ્યા હતા એવું પણ મનાય છે.
……….
– હજારેશ્વર મહાદેવ મંદિર (જામનગર)
જામનગર જિલ્લામાં પરંપરાગત અને પ્રાચીન સ્થાપત્ય ધરાવતાં અનેક મંદિરો આવેલાં છે. તેના કારણે જ જામનગરને છોટા કાશીના નામે પણ ઓળખે છે. છોટા કાશીનું એવું શિવમંદિર, જ્યાં ૧૦૦૧ શિવલિંગ આવેલાં છે. જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલું સ્વામી ચિતાનંદજી મહારાજનું મંદિર, જે હજારેશ્વર મહાદેવ મંદિરના નામે ઓળખાય છે. આ મંદિર ઘણું પ્રાચીન હોવાની સાથે તેની ખાસિયત એ છે કે, તે વિશ્વના જૂજ શિવ મંદિરોમાંનુ એક એટલા માટે છે, કે અહીં ભગવાન શિવના ૧૦૦૧ શિવલિંગ એકસાથે એક જ જગાએ ગુફામાં આવેલાં છે. જેથી આવું ગુજરાતનું એક માત્ર મંદિર છે. મંદિર ઘણું પ્રાચીન હોવાથી શ્રાવણ માસ દરમિયાન મંદિરનું મહત્વ ઘણું વધી જવા પામે છે. ખૂબ આસ્થા અને માનતા સાથે ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. સ્વામી ચિતાનંદજી મહારાજે અહીં ૧૦૦૧ શિવલિંગની સ્થાપના કરી તે પાછળનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે.
આ હજારેશ્વર મહાદેવ મંદિરમાં વર્ષોથી એક પેઢીનો જ પરિવાર પૂજા-પાઠ કરે છે. મંદિરમાં વર્ષ દરમિયાનના તમામ પ્રકારના વ્રત જેવાં કે, એવરત-જીવરતનું વ્રત, ગૌરી વ્રત, મોળાકત વ્રત, ફૂલ-કાજળીનું વ્રતના પૂજા-પાઠ કરાવવામાં આવે છે. વ્રતના પૂજા-પાઠ વખતે અહીં ૧૦૦૦ ઉપરાંત બાળા-પરિણીતાઓ ઉમટે છે. શ્રાવણ માસમાં તો હજારો-લાખો ભાવિક ભક્તો ઉમટી પડે છે.