આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને અભિનેતા પવન કલ્યાણ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા, દિલ્હી હાઈકોર્ટે સોશિયલ મીડિયા કંપનીઓને સાત દિવસમાં જરૂરી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. શુક્રવારે, હાઈકોર્ટે પવન કલ્યાણની તેમના વ્યક્તિત્વ અધિકારોના રક્ષણ માટેની અરજી પર સુનાવણી કરી.જસ્ટીસ મનમીત પ્રીતમ સિંહ અરોરાએ પવન કલ્યાણની અરજી પર અજય દેવગનની અરજી પર આપેલા આદેશના આધારે એક અઠવાડિયામાં કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો હતો. કોર્ટે પવન કલ્યાણને બધી વિવાદિત સામગ્રીની યાદી આપવા કહ્યું હતું.હાઇકોર્ટે સોશિયલ મીડિયા કંપનીઓને માહિતી ટેકનોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, ૨૦૨૧ હેઠળ કલ્યાણની અરજીને ફરિયાદ તરીકે સ્વીકારવા અને સાત દિવસની અંદર જરૂરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.અગાઉ, દિલ્હી હાઇકોર્ટે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના વ્યક્તિત્વ અધિકારોનું રક્ષણ કર્યું હતું. પરવાનગી વિના વાણિજિક હેતુઓ માટે સલમાનના નામ, ફોટા અને અન્ય ગુણોનો દુરુપયોગ અટકાવવા માટે દિલ્હી  હાઇકોર્ટે સ્ટે ઓર્ડર જારી કર્યો હતો. જસ્ટીસ મનમીત પ્રીતમ સિંહ અરોરાની કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને મધ્યસ્થીઓને સલમાનની ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ કેસ સલમાન ખાન દ્વારા દાખલ કરાયેલી અરજી પર આધારિત છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમના નામ અને ફોટાનો ઉપયોગ એપલ, રેડબબલ, ઇ-માર્કેટપ્લેસ અને એઆઈ ચેટબોટ્‌સ જેવા વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર માલ (જેમ કે ટી-શર્ટ, મગ, વગેરે) વેચવા માટે અનધિકૃત રીતે કરવામાં આવી રહ્યો છે.