પર્યાવરણ એ ખૂબ અગત્યનો વૈશ્વિક પ્રશ્ન છે. તેના સંવર્ધન માટે નવા વર્ષે નવા સંકલ્પો સાથે સૌ નાગરિકો કટિબદ્ધ બનીએ. આજે ભૌતિક સગવડ મેળવવા પર્યાવરણનું નિકંદન કાઢવાનું કાર્ય થઈ રહ્યું છે. કુદરતે આપેલી અનમોલ સંપત્તિનો મનુષ્ય બગાડ કરે છે ત્યારે તેને સાચવવા અને જાળવવાની નૈતિક જવાબદારી સૌ ભારતીયની છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પર્યાવરણના સંવર્ધન માટે ખૂબ સારા વિષય સાથે કાર્યકરોમાં અને સમાજમાં જાગૃતિ ઊભી કરવાનો અવસર નિર્માણ કર્યો છે. કુદરત દ્વારા અનમોલ સંપત્તિ મળી છે તેના થકી મનુષ્ય સારું જીવન જીવી શકે તેવી વ્યવસ્થા કુદરત દ્વારા થઈ છે. પરંતુ વસ્તીવધારો, ઔદ્યોગીકરણ અને પોલ્યુશનના કારણે અનેક સમસ્યાઓ ઉદભવી છે. તેના નિરાકરણ માટે સૌ નાગરિકોએ પર્યાવરણનું ચુસ્ત અમલીકરણ કરવું પડશે તો જ શુદ્ધ જીવન અને સાત્વિક ખોરાક મળી શકશે. વિક્રમ સવંત ૨૦૮૧ પર નવા વર્ષે શક્ય બને તો આમાંથી કેટલાક સંકલ્પ લઈએ અને અન્યને લેવા પ્રેરિત કરીએ અને મા વસુંધરાની સેવા કરવાનો લાભ લઇએ. ભારતની આ ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરવો જ રહ્યો. આજે દેશમાં ગંદકીના ઢગલા અને બેફામ ખનન પ્રવૃત્તિ થઈ રહી છે. ત્યારે સરકારે પણ અંગત રસ લઈ પર્યાવરણના સંવર્ધન અને જતન માટે પ્રયાસ કરવો પડશે. કુદરત દ્વારા વર્ષાઋતુ થકી સારા પ્રમાણમાં પાણી મળી રહે છે તેનો વ્યવહારું ઉપયોગ કરીને ઓર્ગેિનક ખેતી થાય તેવા પ્રયાસ કરવા પડશે. આજે ખાતર, દવાવાળું પેસ્ટીસાઈડ ખાઈને અનેક રોગોને આમંત્રણ આપતા લોકો દવાખાનામાં સડે છે. જો સાત્વિક જીવન જીવવું હોય તો પર્યાવરણ સાથે સંતુલન જાળવવું પડશે. કોરોના સમયગાળા દરમિયાન ઓક્સિજનની ઊણપ થકી જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને પૂછી જોજો કે વૃક્ષનું શું મહત્વ છે? જંગલ ખાતાની જવાબદારી ફિક્સ કરવી પડશે તો જ વૃક્ષોનું જતન થશે. એક વખત સૌ રાજકીય અને પર્યાવરણવિદ વ્યક્તિઓએ ગોંડલના રાજા ભગવતસિંહજીના જીવન કવન અને પર્યાવરણ પ્રેમને વાંચવાની જરૂર છે. દેશભક્તિ બતાવવા માટે સરહદ ઉપર જવાની જરૂર નથી. દેશમાં રહી દેશના સંસાધનોનું સંવર્ધન કરવું એ બહુ જ મોટી સેવા છે. અટલ બિહારી બાજપાઈએ કહ્યું હતું કે કણ કણમાં શંકર છે. આ વસુંધરા ભવ્ય અને દિવ્ય છે. તેને જાળવવા માટે સૌ નાગરિકોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોને સમાજ સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરવો જોઈએ. રાષ્ટ્ર છે તો આપણે છીએ. રાષ્ટ્રનું પર્યાવરણ છે તો આપણે જીવીએ છીએ. રાષ્ટ્રની વાત આવે ત્યારે કોઈ કોમ્પ્રોમાઈઝ થઈ શકે નહીં. આ દેશભક્તિ જગાડવાનું કાર્ય સંઘ કરી રહ્યું છે ત્યારે સૌએ તેને સહકાર આપવો જોઈએ. કેટલાક સંકલ્પો દર્શાવ્યા છે તેનો નિત્ય જીવનમાં અમલ થાય તેવી અપેક્ષા છે.
૧. હું બ્રશ કરતી વખતે નળ ખુલ્લો નહીં રાખું અને પાણીનો વ્યય અટકાવીશ.
૨. હું મારી થાળીમાં જમવાનું રહેવા નહીં દઉં, તેમજ અન્નનો બગાડ પણ નહિં કરું. દેશમાં ૨૫ કરોડ ઘર છે એક રોટલીનો એઠવાડ થાય તો કેટલા મણ ઘઉં જોઈએ.
૩. હું પેપરની બંને સાઈડનો ઉપયોગ કરીશ અને એક સાઈડ વપરાયેલ પેપરની બીજી સાઈડનો પણ ઉપયોગ કરીશ. કાગળ બચાવવાનો પૂરતો પ્રયત્ન કરીશ. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડ પરીક્ષામાં જે સપ્લીમેન્ટરીના કાગળ વધે છે તે ફાડી અને પુનઃ ઉપયોગ થાય તો પર્યાવરણનું સંવર્ધન થઈ શકે એમ છે.
૪. હું કચરો ગમે ત્યાં નહીં ફેકું અને ડસ્ટબિનમાં જ નાખવાનો આગ્રહ રાખીશ. મારા દેશની સ્વચ્છતા મારા ઘર જેવી રાખીશ.
૫. હું વપરાશમાં ના હોય એવા બધા જ ડિવાઇસ તેમજ ચાર્જરની સ્વીચ તરત જ બંધ કરી દઈશ. સરકારી કચેરીમાં બિનજરૂરી પંખા, એસી તેમજ અન્ય ઉપકરણો ચાલુ હશે તો હું બંધ કરીશ. કોઈને આદેશ આપીશ નહીં આવું લેખક ઘણી વખત કરી ચૂક્યા છે કારણ કે ઉર્જા દેશની છે.
૬. હું AC, RO કે વોશિંગ મશીનમાંથી નીકળતા પાણીનો ફરીથી ઉપયોગ કરીશ. કપડાં ધોવા તેમજ બાથરૂમ અને સંડાસ સાફ કરવા માટે તે પાણીનો પુનઃ ઉપયોગ કરીશ.
૭. હું નાહવા માટે ફુવારાની જગ્યાએ નાની ડોલ અને ટમલરનો ઉપયોગ કરીશ. શરીર તો ચોખ્ખું રાખવું પરંતુ પાણી ઓછું વાપરવું, મન અને વિચારોને સારી રીતે પાણીથી સાફ રાખવા એટલે ગંદકી થાય નહીં.
૮. હું જ્યારે પણ ઘરની બહાર નીકળીશ ત્યારે કપડાની બેગ લઈને જ નીકળીશ. પ્લાસ્ટિક ઉપર સદંતર પ્રતિબંધ મૂકવાની જરૂર છે. મ્યુનિસિપાલટી તંત્ર જાગે તો જ પ્લાસ્ટિક બંધ થશે.
૯. હું આજે એક છોડ વાવીશ અને આખું વર્ષ એનું જતન કરીશ. વૃક્ષ વાવવાની જવાબદારી ફિક્સ કરવાની તાતી જરૂરીયાત છે. વૃક્ષો એટલા બધા કપાય છે, મામલતદાર કચેરી અને વન વિભાગ બધું જોવે છે અને પર્યાવરણનું નિકંદન નીકળે છે. વાડ જ ચીભડા ગળે છે, કોને કહેવું.
૧૦. હું જ્યારે પણ બહાર જઈશ ત્યારે મારી સાથે પાણીની સ્ટીલની બોટલ રાખીશ. સરકારના વિવિધ કાર્યક્રમોમાં પાણીની પ્લાસ્ટિકની બોટલો મૂકવામાં આવે છે જેનું લાઈવ પ્રસારણ થાય છે ત્યાંથી બંધ કરવાની જરૂર છે.
૧૧. હું મારા વાહનોને ધોવાની જગ્યાએ, ભીના કટકાથી તેની સફાઈ કરીશ. જુના વાહનોને ડીટેઇન કરીને સ્ક્રેપમાં જવા દેવાની જરૂર છે પોલ્યુશન કરતાં વાહનો ઉપર સદંતર પ્રતિબંધ હોવો જોઈએ.
૧૨. હું દૂધનું પાઉચ કે કોઈપણ પેકેટ કાપતી વખતે તેના ઉપરનો કટપીસ એમાં જ લટકતો રહે એવી રીતે એને કાપીશ. દૂધમાં અને અન્ય ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરનારને ફાંસી આપીને દાખલો બેસાડવો પડશે.
૧૩. હું પ્લાસ્ટિકના અને કાગળની ડીશમાં કે પેકેટમાં રહેલ નાસ્તાનો ઉપયોગ ટાળીશ. સ્ટીલની અથવા તો પિત્તળની થાળીમાં નાસ્તો કરીશ તેવો જ આગ્રહ રાખીશ. ચાની ઉપર ફરજિયાત કાયદો કરવાની જરૂર છે. સ્ટીલની અથવા તો ચિનાઈ માટેની પવાલીનો ઉપયોગ થાય.
૧૪. હું લાઈટ પંખાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા, બારી-બારણા ખોલીને કુદરતી હવા અને સૂર્યપ્રકાશનો ઉપયોગ વધારીશ. વૃક્ષના છાયડે બપોરે ઊંઘવાનો આગળ રાખીશ.
૧૫. હું પક્ષીઓ માટે ઘરના આંગણે પાણીનું બાઉલ રાખીશ અને તેમના માટે ચણ નાખીશ. ફળિયામાં પક્ષીઓની ચણ માટેનું બાઉલ લટકાવીશ .
૧૬. હું નજીકના અંતરે જવા ચાલીને જઈશ અથવા સાઇકલનો ઉપયોગ કરીશ. પહેલામાં માળે લિફ્‌ટમાં જાય છે તે વ્યક્તિઓ કઈ રીતે તંદુરસ્ત રહી શકશે?
૧૭. હું વપરાશમાં ન હોય એવા લાઈટ પંખાની સ્વિચ બંધ કરીશ. સોલર પેનલ નાખવાનો આગ્રહ રાખીશ.
૧૮. હું મારા મોબાઈલ ડેટા કે વાઇફાઇની જયારે જરૂર ન હોય ત્યારે અને ખાસ કરીને રાત્રે બંધ કરી દઈશ. ૧૮ વર્ષથી નાની ઉંમરના તમામ છોકરાઓ મોબાઈલનો ઉપયોગ ન કરે તેવી ટેકનોલોજી એપ્લાય કરવાની જરૂર છે જેથી ઇન્સ્ટ્રુમેન્ટ ચાલુ જ ના થાય.
૧૯. હું સિગ્નલ પર કે કોઈક લાઈનમાં સેકન્ડથી વધારે રાહ જોવાની હોય ત્યારે મારા વ્હિકલનું એન્જિન બંધ કરી દઈશ. પેટ્રોલ અને ડીઝલનો બચાવ કરવા પ્રયત્ન કરીશ.
૨૦. હું એ.સી.નો વપરાશ ઘટાડીશ અને એને જ્યારે વાપરીશ ત્યારે ૨૪ થી ૨૬ ડિગ્રી પર રાખીશ. નેચરલ જીવવાની કોશિશ કરીશ.
૨૧. જાહેર શૌચાલયમાં સ્વચ્છતા રાખવા આગ્રહ રાખીશ.
૨૨. હું યુઝ એન્ડ થ્રો વસ્તુઓનો વપરાશ કરવાની જગ્યાએ reusable વસ્તુઓ જ વાપરીશ. જમણવારમાં પ્લાસ્ટિક ઉપર સદંતર પ્રતિબંધ તેમજ પેપર ડીશ વગેરેનો ઉપયોગ ટાળવો રહ્યો. જરૂર પડે તો ખાખરાના પાન અને પડિયાનો ઉપયોગ કરવો.
૨૩. હું પેપર, પૂઠા, ખાલી ખોખા, દૂધના પાઉચ, ૫૦ માઈક્રોન થેલી, ડબ્બીઓ, ઠંડા પીણાની
બોટલો જેવી recyclable વસ્તુઓને dustbin માં ના નાખતા એને કબાડીને આપીશ અથવા સફાઈ કામદારને એનું દાન કરીશ. અતિ આવશ્યક હોય ત્યારે જ આનો ઉપયોગ કરવો બાકી ઘરેથી સ્ટીલની બોટલ ભરીને જ જેવી જોઈએ.
૨૪. હું આજથી ઓછામાં ઓછું એક ડોલ પાણી બચાવવાનો પ્રયત્ન કરીશ. ચોમાસા દરમિયાન ‘ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં’ આ કન્સેપ્ટ પાણી બચાવવા માટે ખૂબ અગત્યનો છે.
૨૫. હું મારા પરિવારના ખાસ દિવસોમાં એક એક છોડ ઉગાડીશ જ અને મોટો કરવા માટે સંકલ્પ લઈશ. વૃક્ષ કાપી નાખનાર લોકોને જાહેરમાં ફાંસી આપવી જોઈએ.
૨૬. હું વોશિંગ મશીનમાં ધોવા માટેના પૂરતા કપડા ભરાય પછી જ મશીન ચાલુ કરીશ. શહેરોમાં સૌથી વધારે પાણી વપરાય છે એટલે આધુનિક જીવનશૈલીમાં બદલાવ લાવી અને શારીરિક કાર્ય કરવા કટિબદ્ધ બનીએ.
૨૭. હું ઘરમાં આવતા રેપર/ સિંગલ યુઝ પ્લાસ્ટિકની ઈકોબ્રિક બનાવીશ. મારા ઘરે પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવીશ અને કપડાની થેલીમાં વસ્તુ લાવવી તેવો આગ્રહ રાખીશ.
૨૮. હું પર્યાવરણને બચાવવા માટે અથાક પ્રયત્ન કરીશ. પર્યાવરણ એ વૈશ્વિક પ્રશ્ન છે તેના સંવર્ધન માટે જાગૃત બનીશ પોલ્યુશન અટકાવવા માટે સતત જાગૃતિ કેળવવી.
૨૯. ખેતીમાં દવા અથવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ સદંતર બંધ કરવા પ્રયત્ન કરીશ.
૩૦. મારી વસુંધરાને પ્રાકૃતિક ખેતી તરફનું અમલીકરણ કરાવીશ.
૩૧. રાષ્ટ્ર સેવા એટલે પર્યાવરણનું જતન આ બાબતને નવા વર્ષથી સંકલ્પબદ્ધ કરીશ.
ઉપરોક્ત બાબતોનો મારા જીવનમાં અમલ કરીશ અને દેશના નાગરિકોને સારી બાબતો કેળવાય તેવા વિચારો આપતો રહીશ. તેનું પાલન કરતો રહીશ તો જ મારો દેશ પર્યાવરણ મય બનશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જે કાર્ય પૂજ્ય ભાગવતજીએ દશેરાના દિવસે પોતાના પ્રવચનમાં વ્યક્ત કરેલું તેને સૌ કાર્યકરોએ પોતાની જવાબદારી સમજી સ્વીકારી લેવું જોઈએ. તો જ દેશ પર્યાવરણ પ્રેમી બનશે તેવી મને ચોક્કસ ખાત્રી છે. મારા વાચક વર્ગને નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ. દેશ માટે સંકલ્પબદ્ધ બનીએ તેવી આશાઓ સાથે વંદન કરું છું. વંદે માતરમ… ભારત માતાકી જય. Mo.9825702282