ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બોર્ડ પરીક્ષા પૂર્વે દેશના વિવિધ રાજ્યોમાં આવેલી શાળાઓના બાળકો સાથે તનાવમુક્ત પરીક્ષા કઈ રીતે આપવી તે વિશે વિશેષ માર્ગદર્શન આપે છે.
બોર્ડ પરીક્ષા એ જીવનનો અંતિમ માર્ગ નથી. જીવનમાં ડગલે અને પગલે પરીક્ષા આવતી જ રહે છે અને આવવાની છે. તેને પડકાર સમજી સામનો કરીએ. આત્મવિશ્વાસ અને અતૂટ શ્રદ્ધા દ્વારા પરીક્ષા આપવાથી સારું પરિણામ પ્રાપ્ત થાય છે. આજે કેટલાક હોશિયાર બાળકો ભણવામાં તેજસ્વી હોય અને બોર્ડ પરીક્ષા આવે તે સમયગાળા દરમિયાન તનાવમાં આવી જાય છે. જે તૈયારી કરી હોય તે ભૂલી જાય અને છેલ્લે નિષ્ફળ રહેતા હોય છે. તેવા સમયે આદરણીય પ્રધાનમંત્રીનું પ્રેરક ઉદ્બોધન અને માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે સંજીવની સમાન પુરવાર થયું છે. ઘણા વર્ષોથી દિલ્હીની અંદર બોર્ડ પરીક્ષા પૂર્વે બાળકો સામે જેટલા પણ પ્રશ્નો આવે છે તેનું હકારાત્મક નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરે છે. પરિસ્થિતિ ગમે તેવી હોય પરંતુ આત્મવિશ્વાસ મજબૂત હોય તો સફળતા પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થીઓની અંદર નવજાગૃતિ અને આત્મવિશ્વાસ નિર્માણ કરવા માટે વિશ્વના પહેલા એવા પ્રધાનમંત્રી છે કે જેમને બાળકોની બોર્ડ પરીક્ષાની ચિંતા છે.
બાળકો તનાવમુક્ત વાતાવરણમાં બોર્ડ પરીક્ષા આપી શકે તે માટે વિવિધ દ્રષ્ટાંતો સહિત તેમને માર્ગદર્શન આપે છે. લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દ્રઢ સંકલ્પ અને સકારાત્મક વિચારસરણી તમને સફળતાના માર્ગે લઈ જાય છે. માતા-પિતાને વંદન કરવા, ઊંડા શ્વાસ લેવા, મનન અને ચિંતન કરવું, ગભરાવું નહીં, માતાજીનું સ્મરણ કરવું વગેરે હકારાત્મક વિચારો થકી બોર્ડ પરીક્ષા આપવા માટે તૈયાર રહેવા માર્ગદર્શન આપે છે. તેમના વિચારોમાં અને રજૂઆત કરવાની કલામાં આત્મશ્રદ્ધા જોવા મળે છે. દુનિયાના જેટલા પણ લોકો નિષ્ફળ થયા છે તેઓ પુનઃ વધારે મહેનત કરીને સફળ બન્યા છે. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. પરંતુ વારંવાર નિષ્ફળ થવું તે સફળતાની ચાવી નથી. તેના માટે કઠોર પરિશ્રમ કરવો પડે. બાળકો તમારી અંદર પડેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનો સમય છે. પરીક્ષાના સમયે આપ મક્કમ મનથી પરીક્ષા આપશો ચોક્કસ સફળ થશો. આવા ભાવ સાથે તમે બોર્ડ પરીક્ષા આપશો તો તમને સફળતા અચૂક મળશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનું સુચારુ અમલીકરણ અને આયોજન કરેલ હોય છે. જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પારદર્શક અને ટેકનોલોજીના માધ્યમ પાટા એપ્લિકેશન દ્વારા ઝોનથી પરીક્ષા કેન્દ્રો સુધી સીલબંધ કવરમાં પેપરો પહોંચે છે. શાંતિપૂર્ણ માહોલમાં ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષા લેવાય છે. તેના માટે તેમનો ભગીરથ પુરુષાર્થ રહેલો હોય છે. દેશના પ્રધાનમંત્રી પરીક્ષાના માહોલને શાંતિપૂર્ણ અને અસરકારક બનાવવા માટે પોતે વિદ્યાર્થીઓ સાથે સીધી ચર્ચા કરે છે. રાજ્યના બંને શિક્ષણપ્રધાન તેમજ મુખ્યમંત્રી પણ બાળકોની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. બાળકોમાં હકારાત્મક ભાવ કેળવાય તે જરૂરી છે. માન્ય પ્રધાનમંત્રીનું એકઝામ વોરિયર્સ પુસ્તક દરેક શિક્ષક મિત્રોએ વાંચવા જેવું છે. મોટાભાગના પ્રશ્નો તનાવના હોય છે. એવા સમયે આત્મવિશ્વાસ અને હકારાત્મક ભાવ થકી પરીક્ષા આપો તો તમે ચોક્કસ સફળ થશો.
દુનિયાના જેટલા પણ મહાપુરુષો સફળ થયા છે. તેમની કઠોર મહેનત અને આયોજનબદ્ધ લેખન, વાંચન અને પૃથ્થકરણ રહેલું છે. પાઠ્યપુસ્તકના વિષય વસ્તુને સમજી વિચારી માગ્યા મુજબ જવાબ આપવામાં આવે તો પેપર ચેક કરનાર ઉપર તેની હકારાત્મક અસર પડે છે. દેશના કરોડો બાળકોના ભવિષ્યનો સવાલ હોય ત્યારે પ્રધાનમંત્રી જો રસ લેતા હોય તો આપણે પણ એક શિક્ષક તરીકે પરીક્ષાના માહોલમાં વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ મજબૂત થાય તેવા ભગીરથ પ્રયાસ કરવા જોઈએ એવું હું અંગત રીતે માનું છું. પરીક્ષા ઉત્સાહપૂર્વક આપવી. તનાવ તો આવવો જ ના જોઈએ. સ્વામી વિવેકાનંદના પ્રિય વાક્ય મુજબ, ‘મારા યુવાનો ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨