વડીયા રેલવે સ્ટેશન પર એક બાળક એકલું બેઠેલું જોવા મળતાં રેલવે કર્મચારીએ તેની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન બાળક પરિવારથી વિખૂટું પડી ગયું હોવાનું જાણવા મળતાં કર્મચારીએ તાત્કાલિક ૧૧૨ ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. ૧૧૨ની ટીમે બાળકને સુરક્ષિત રીતે વડિયા પોલીસના હવાલે કર્યો હતો.બાળકની વધુ પૂછપરછ કરતાં તે દેવીપૂજક પરિવારનો હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન બાળકની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ હતી. રાજકોટના મેટોડા પોલીસ મથકે બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાતા વડિયા પોલીસે મેટોડા પોલીસનો સંપર્ક કર્યો હતો. ઓળખની ખાતરી બાદ બાળકના પિતા કિશનભાઈ આંબલિયાને બોલાવી બાળકને તેમના હવાલે કરવામાં આવ્યો હતો. બાળકના પિતાએ પોલીસનો આભાર વ્યક્ત કરી કામગીરીની પ્રશંસા કરી હતી.




































