ઉનાળુ વેકેશન એટલે આખો પરિવાર ફ્રી. હરવા-ફરવા માટે ધોધ, જંગલો, હિલ સ્ટેશનો, હવા ખાવાના સ્થળની મુલાકાત લેવાની ઈચ્છા થાય, જ્યાં તમને પરિવાર સાથે મોજ-મસ્તી કરવાની સાથોસાથ માનસિક શાંતિનો અનુભવ થશે. તો ચાલો આ વેકેશનમાં એવાં સ્થળોની સફર કરીએ…
(૦૬) જાંબુઘોડા (પંચમહાલ) ઃ પંચમહાલ જિલ્લામાં આવેલું જાંબુઘોડા અભયારણ્ય ચાંપાનેરથી આશરે ૨૦ કિમી અને વડોદરાથી આશરે ૯૦ કિમીનાં અંતરે આવેલું છે. જાંબુઘોડા વાંસ, મહુડા, સાગ તેમજ અન્ય વનસ્પતિસભર અભયારણ્ય છે. મે ૧૯૯૦માં અભયારણ તરીકે જાહેર કરાયેલું આ અભયારણ્ય વિવિધ પ્રાણીઓ, ઝેરી અને બિનઝેરી
સરિસૃપો તેમજ કેટલીય જીવસૃષ્ટિનું આશ્રય સ્થાન છે. આ અભયારણ્યની એક લાક્ષણિકતા એ પણ છે કે તે પર્વતીય વિસ્તારમાં આવેલું જૂજ માનવ વસવાટ ધરાવતું આ અભયારણ્ય છે. એના કારણે જ, અન્ય પ્રાકૃતિક સ્થળોની સરખામણીએ આ સ્થળના પ્રાકૃતિક સૌંદર્યમાં અનેકગણો વધારો થાય છે. ગાઢ જંગલની ટેકરીઓમાં તેમ જ ખીણોમાં ઘણી આદિવાસી વસાહતોમાં આદિવાસીઓ વસવાટ કરે છે. આ અભયારણ્યના જંગલોમાં ફરવા માટે અનેક
પ્રાકૃતિક સ્થળ આવેલાં છે. દૂર દૂરથી લોકો ખાસ ટ્રેકિંગની મજા માણવા માટે આ અભયારણ્યમાં આવે છે. અહીં એક વન વિભાગનું
આરામગૃહ, અભયારણ્ય, બે જળાશય પણ આવેલાં છે.
(૦૭) પીરોટન ટાપુ (જામનગર) ઃ પીરોટન બેટ બેડી બંદરના કિનારેથી દરિયામાં આશરે ૧૨ નોટિકલ માઈલ દૂર આવેલો છે. લગભગ ૩ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલા આ પરવાળાના ટાપુની આસપાસ અદ્‌ભુત દરિયાઈ સૃષ્ટિ ઉપરાંત મેન્ગ્રોવના જંગલ છે. મોટાભાગના મુલાકાતીઓ બારે માસ અહીંની મુલાકાતે આવે છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન હેઠળ સંરક્ષિત હોવાને કારણે તથા ભારતની મુખ્ય ભૂમિથી દૂર સમુદ્રમાં હોવાને લીધે પીરોટન ટાપુની મુલાકાત લેવા માટે ઘણાં પ્રકારની પરવાનગી મેળવી આવશ્યકતા બને છે. ભારતીય નાગરિકો માટે વન વિભાગ, કસ્ટમ્સ વિભાગ અને બંદર ખાતાની પરવાનગી જરૂરી છે. પરદેશીઓ માટે વધારામાં પોલીસ ખાતાની પરવાનગી પણ જરૂરી બને છે.
(૦૮) ઝરવાણી ધોધ (નર્મદા) ઃ નર્મદા ડેમ અને નદીના સામા કિનારે લગભગ ૮ કિમીના અંતરે આવેલો ઝરવાણી ધોધ જંગલોની વચ્ચે આવેલા ખૂબ જ રમણીય સ્થળ પર આવેલો છે. સાતપૂડાની પર્વતમાળામાં આવેલું સ્થળ ચોમાસામાં તો અદ્‌ભુત લાગે છે. ચારેબાજુ લીલાંછમ પર્વતો, ખેતરો અને ખળખળ વહેતા ઝરણાં અને નદી મનને તાજગીથી તરબતર કરી દે છે. ઝરવાણી ધોધ ભલે ઊંચાઈમાં નાનો છે, પણ તેને જોવા-માણવા માટે ગોઠણડૂબ નદીના પાણીમાં ચાલીને જવું પડે છે, જે એક સાહસ સાથે રોમાંચની અનુભૂતિ કરાવે છે.
(૦૯) સાપુતારા (ડાંગ) ઃ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું સાપુતારા એક રમણીય સ્થળ છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલા સાપુતારાની ભવ્ય પહાડીઓ પરનું ખુશનુમા વાતાવરણ આહલાદક છે. આખા વર્ષ દરમિયાન સાપુતારાના તાપમાનનો પારો ક્યારેય ૩૦ ડિગ્રીને પાર જતો નથી. અહીંના સ્થાનિક આદિવાસીઓ, જે સરકારની વિનંતીથી સાપુતારાનું વંશપરંપરાગત રહેઠાણ ખાલી કરીને નવાનગરમાં રહેવા ગયા છે. સાપુતારામાં આદિવાસી મ્યુઝિયમ જોવાલાયક છે. ઉપરાંત અહીંની પહાડીઓ પરથી સનરાઇઝ અને
આભાર – નિહારીકા રવિયા સનસેટ પોઇન્ટનો લહાવો માણવા જેવો છે. સાપુતારાથી થોડે દૂર ગુજરાતનો નાયગ્રા કહેવાતો ગીરા ધોધ આકર્ષણનું મોટું કેન્દ્ર બની ગયો છે.
(૧૦) પાલિતાણા (ભાવનગર) ઃ પાલિતાણા જૈનોનું એક પ્રમુખ તીર્થસ્થાન છે. પાલિતાણા મંદિરોના શહેર તરીકે પણ ઓળખાય છે. પાલીતાણામાં જૈન યાદગીરી સાથે જોડાયેલાં અનેક મંદિરો આવેલાં છે. આ મંદિરોમાંની અદભૂત કોતરણી જોવા, પવિત્રતાનો સંગમ જોવા, આહલાદક શાંતિ અનુભવવા માટે પાલિતાણાનો પ્રવાસ અવશ્ય કરવો જોઈએ. અહીં શેત્રુંજય પર્વત આવેલો છે, જેના શિખર પર નાનાં-મોટાં અનેક જૈન મંદિર આવેલાં છે. જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથ સાથે જોડાયેલા આ તીર્થને બધા જૈન તીર્થોમાં સર્વોચ્ચ માનવામાં આવે છે. અહીંનું નયનરમ્ય વાતાવરણ જૈનો તથા દરેક ધર્મના લોકોને આકર્ષિત કરે છે.