બાબરાના મોટા દેવળીયા ગામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. પરિણીતાને ધારીયું બતાવી વાળ પકડી રીક્ષાના એંગલ સાથે માથું ભટકાવવામાં આવ્યું હતું. તેમજ ઝેરી દવાની પડકી બતાવી જાનથી મારવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે વર્ષાબેન મુકેશભાઈ જાદવ (ઉ.વ.૪૫)એ રાજકોટના હલેન્ડા ગામે રહેતા અશોકભાઈ ડાયાભાઈ મારૂ તથા પુષ્પાબેન અશોકભાઈ મારૂ, ગીતાબેન પરમાર તથા ઓટો રીક્ષાના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, સાહેદ રામુબેનને ઘરકંકાસ રહેતો હતો. જેથી આરોપીને બોલાવી બોલાચાલી કરતા હતા. જેથી તેમણે વચ્ચે પડી ગાળો બોલવાની ના પાડતાં તેમની બહેન ભારતીના છૂટાછેડા કરવા બાબરા જવાનું છે તેમ કહી રીક્ષામાં બેસાડ્યા હતા. વાસાવડ રોડે લઈ જઈ ઢીકાપાટુ માર્યા હતા, ઉપરાંત ધારીયું બતાવી વાળ પકડી રીક્ષાની એંગલ સાથે માથું ભટકાવી માથામાં મુંઢ ઈજા કરી હતી. તેમજ ઝેરી દવાની પડીકી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જેએમ. ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.









































