મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતીકાલે એટલે કે ૨૩મી નવેમ્બરે જાહેર થવાના છે. આ દરમિયાન અહીં એક પોસ્ટર પર રાજકારણ શરૂ થઈ ગયું છે. હકીકતમાં, પરિણામોના એક દિવસ પહેલા, એનસીપીના વડા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારને મુખ્યમંત્રી તરીકે દર્શાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. બાદમાં તેમને પણ દૂર કરવામાં આવ્યા હતા. આ પોસ્ટર પુણેમાં પાર્ટીના નેતા સંતોષ નાંગરેએ લગાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધન અને કોંગ્રેસના નેતૃત્વવાળી મહા વિકાસ આઘાડી વચ્ચે મુકાબલો છે. શાસક ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનમાં ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ)નો સમાવેશ થાય છે, જ્યારે વિરોધ પક્ષ સ્ફછમાં કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એનસીપી (શરદ પવાર જૂથ)નો સમાવેશ થાય છે.
બુધવારે બંને રાજ્યોમાં મતદાન સમાપ્ત થયા પછી આવેલા એકજિટ પોલ્સ, આગાહી કરે છે કે શાસક મહાયુતિ મહારાષ્ટ્રમાં સત્તા જાળવી રાખશે અને ઝારખંડમાં પણ એનડીએ સરકાર બનાવવાની ધાર ધરાવે છે. મોટાભાગના એકજિટ પોલ્સ એવી આગાહી પણ કરે છે કે મહા વિકાસ અઘાડી ચૂંટણીમાં મજબૂત દેખાવ કરશે, પરંતુ ૨૮૮ સભ્યોની વિધાનસભામાં બહુમતીનો આંકડો પાર કરે તેવી શક્યતા નથી.
પી-માર્ક એકજિટ પોલ અનુસાર, મહાયુતિ ગઠબંધનને ૧૩૭-૧૫૭ બેઠકો મળશે, જ્યારે મહા વિકાસ અઘાડીને ૧૨૬-૧૪૭ બેઠકો અને અન્યને ૨-૮ બેઠકો મળશે. તે જ સમયે, ચાણક્ય સ્ટ્રેટેજીએ મહાયુતિને ૧૫૨-૧૫૦ બેઠકો, એમવીએને ૧૩૦-૧૩૮ બેઠકો અને અન્યને ૬-૮ બેઠકો મળવાની આગાહી કરી છે.
આ પહેલા શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મહાયુતિના નેતાઓ સાથે બેસીને નક્કી કરશે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી બનવા માટે અહીં નેતાઓમાં ક્યારેય કોઈ સ્પર્ધા નથી. અમે આગામી પાંચ વર્ષમાં વધુ વિકાસ કાર્યો કરવા સરકાર બનાવવા માંગીએ છીએ. છેલ્લા અઢી વર્ષમાં મહા વિકાસ આઘાડીએ માત્ર મુખ્યમંત્રી કોણ હશે તેની ચર્ચા કરી હતી; દરરોજ તેઓ આ જ ચર્ચા કરતા હતા. તેમનો સંદેશ લોકો સુધી પહોંચ્યો ન હતો.