ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણીને પગલે કેટલાક મુસ્લિમ દેશોએ ભારતીય રાજદૂતને તેડું મોકલ્યું. કતાર, ઈરાન, કુવૈતે ટિપ્પણીઓની ટીકા કરતા કડક વિરોધ નોંધાવ્યો. આ ઉપરાંત કેટલાક અન્ય મુસ્લિમ દેશોએ વિરોધ વ્યક્ત કરતા નિવેદન પણ બહાર પાડ્યા.
ટિપ્પણીઓ મામલે કતાર અને કુવૈત સ્થિતત ભારતીય દૂતાવાસના પ્રવક્તાએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે રાજદૂતે કહ્યું કે તે ટ્‌વીટ કોઈ પણ પ્રકારે ભારત સરકારના વિચારોને દર્શાવતા નથી. તે હાંસિયાના તત્વોના વિચાર છે. પ્રવક્તાએ વધુમાં કહ્યું કે કતારમાં ભારતીય રાજદૂત દીપક મિત્તલે વિદેશ કાર્યાલયમાં એક બેઠક પણ યોજી જેમાં ભારતમાં વ્યક્તિઓ દ્વારા અન્ય ધર્મના પૂજનીય લોકોને બદનામ કરનારા કેટલાક આપત્તિજનક ટ્‌વીટ્‌સ અંગે ચિંતા વ્યક્ત કરાઈ.
અત્રે જણાવવાનું કે જે સમયે કતાર સરકારે ભારતીય રાજનયિકને તેડું મોકલ્યું તે જ સમયે હાલ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડું પણ કતારના પ્રવાસે છે. તેમણએ રવિવારે કતારના પ્રધાનમંત્રી શેખ ખાલિદ બિન ખલીફા બિન અબ્દુલઅઝીઝ અલ સાની સાથે મુલાકાત કરી. આ દરમિયાન કતારના વિદેશ મંત્રાલય દ્વારા ભારતના રાજનયિકને એક નોટ સોંપવામાં આવી. જેમાં ભાજપ દ્વારા બંને નેતાઓના સસ્પેન્શનના નિર્ણયનું સ્વાગત કરાયું.
પયગંબર પર આપત્તિજનક નિવેદન બદલ કતાર સરકારે તો ભારત સરકાર પાસે જોહેરમાં માફીની માંગણી પણ કરી છે. કતાર સરકારે કહ્યું કે કતાર સરકાર ભારત સરકાર પાસે જોહેર માફી અને આ ટિપ્પણીઓની તત્કાળ ટીકાની આશા રાખે છે. આ બધા વચ્ચે કુવૈતમાં પણ રાજદૂત સિબી
જ્યોર્જને રવિવારે તલબ કરવામાં આવ્યા અને એશિયાઈ મામલાના સહાયક વિદેશ મંત્રી દ્વારા એક અધિકૃત વિરોધ નોટ સોંપવામાં આવી. ઈરાનમાં ભારતીય રાજદૂત ધામૂ ગદ્દામને પણ તહેરાનમાં રવિવારે સાંજે દક્ષિણ એશિયાના મહાનિદેશક દ્વારા વિદેશ મંત્રાલય તલબ કરાયા. વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને કડક વિરોધ વ્યક્ત કરાયો. આ ઉપરાંત અન્ય ઇસ્લામિક દેશો જેમ કે પાકિસ્તાન, અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર, સાઉદી અરેબિયા, બહેરિને પણ વિવાદિત ટિપ્પણીઓ પર આકરો વિરોધ વ્યક્ત કરતા નિવેદન બહાર પાડ્યા છે.
અત્રે જણાવવાનું કે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના નેતા નૂપુર શર્મા અને નવીનકુમાર જિંદાલ દ્વારા પયગંબર પર આપત્તિજનક ટિપ્પણીઓ બાદ ખુબ હોબાળો મચ્યો હતો. ભાજપ દ્વારા આકરા પગલાં લેવાતા નૂપુર શર્મા તથા નવીન જિંદાલને તાકીદે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા.