અમેરિકન નાગરિક ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના આરોપના કિસ્સામાં, ભારતે યુએસને જણાવ્યું હતું કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ દ્વારા ચાર્જશીટમાં સીસીઆઇ તરીકે ઓળખવામાં આવેલ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ પર અમેરિકન નાગરિકની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો, જે અમેરિકન ધરતી પર થવાનો હતો. આ માહિતી એક અમેરિકન અધિકારીએ આપી હતી. ભારતે યુએસને એમ પણ કહ્યું કે સીસીઆઇ હવે સરકારી અધિકારી નથી અને આ મામલાની તપાસ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિ અન્ય કડીઓની તપાસ કરી રહી છે. આ ભારતીય સમિતિના સભ્યો વોશિંગ્ટન ડીસીની યાત્રા કરી રહ્યા છે અને ત્યાં અમેરિકન અધિકારીઓને મળશે અને તેમના તારણો શેર કરશે અને અમેરિકન તપાસ સંબંધિત માહિતી મેળવશે. અમેરિકન અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે.
ડીઓજેની ચાર્જશીટમાં સીસીઆઇને ભારતમાં નિયુક્ત આતંકવાદી અને યુએસ નાગરિક ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં સામેલ એક સક્રિય ભારતીય સરકારી અધિકારી તરીકે વર્ણવવામાં આવ્યું હતું. ‘વોશિંગ્ટન પોસ્ટ’એ એપ્રિલમાં સીસીઆઇની ઓળખ વિક્રમ યાદવ તરીકે કરી હતી. અમેરિકી અધિકારીએ કહ્યું કે ભારત દ્વારા લેવામાં આવેલા પગલાથી અમેરિકા “પ્રોત્સાહિત” છે. અધિકારીએ કહ્યું કે સીસીઆઇ હવે સરકારી કર્મચારી નથી અને સ્થાનિક આરોપોમાં તેની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય સમિતિ વોશિંગ્ટન ડીસીમાં અમેરિકી અધિકારીઓને પણ મળશે. આ સમગ્ર કાર્યવાહી બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય સંવાદ અને સહયોગ સૂચવે છે. અધિકારીએ પુષ્ટિ કરી કે યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન અને ભારતીય એનએસએ અજીત ડોભાલ તેમજ બંને દેશોના અન્ય અધિકારીઓ વચ્ચે “વારંવાર અને નિયમિત” સંચાર થાય છે.