“આજે રહેવા દે ને ડિયર, કાલે તારી ફાઈલ સબમીટ કરાવજે.” અલ્કાએ મને  ઊભી થતી રોકી અને હાથ પકડી રાખતાં કહ્યું.

“પણ કેમ? હું જેટલી જલ્દી આ ફાઈલ મોકલીશ એટલી જલ્દી મને નોકરીનો કંઈક તાગ મળશે.” મેં એનો હાથ છોડાવ્યો અને ઓફીસ તરફ પગ ઉપાડ્યા.

એ મારી પાછળ દોડી અને બોલી. ” યાર આજે સોમવાર છે ને સવારે જ તારા હાથે દુધ ઊભરાઈ ગયું હતું. બહુ મોટું અપશુકન કહેવાય. પ્લીઝ તું રહેવા દે.”

“તું તારા પનોતીવેળા છે ને તારી પાસે જ રાખ. ચલ જલ્દી હટ મને જવા દે.” અને હું અલ્કાને ધક્કો મારીને નીકળી ગઈ.

અમારાં ક્લાસમાં અલ્કાનું બીજું નામ શકુબાઈ હતું. તે બધી વાતમાં શુકન, અપશુકન, પનોતી આવું બધું લાવીને રાખી દેતી.

ગામડે અમે બંને પહેલેથી જ સાથે ભણતાં. અમે બંનેએ પહેલાં ધોરણથી જ ભણવામાં ખૂબ ધ્યાન દીધું હતું, બોર્ડની પરીક્ષાઓમાં તો ચોટલી બાંધીને વાંચ્યું હતું. પણ ખાસ કંઈ ઉકાળી શક્યાં નહોતાં. અને અહીં દુર શહેરમાં એક ક્લાસીસમાં ભણવાની સાથે જોબ માટે પણ ટ્રાય કરતાં રહેતાં. પણ છેલ્લા 5 વર્ષથી અમને બંનેને એકપણ જગ્યાએથી પોઝિટિવ રીપ્લાય નહતો આવ્યો.  શકુ મને વાતવાતમાં પનોતી વિશે સમજ આપતી રહેતી. આજે શનિવાર છે તેલ ન નાખ વાળ ન કાપ બીજાનાં ચંપલ ન પહેરીશ, આજે બુધવાર છે આજે મમ્મીનાં ઘરથી બહાર ન જઈશ, છીંક આવી તો હવે બેસી જા કયાંય જઈશ નહીં, બિલ્લી ઉતરી ઉભી રહી જા. એવાં એવાં સૂચનો કર્યા જ કરતી. નાનપણમાં તો હું એ બધું સાચું માની ને એનું કહ્યું કરતી. પણ હવે તો મને એ બધું ગાંડપણ લાગતું. પણ એ શકુ ન સમજી.

ક્યારેક તો એ મારી સાથે એટલે ઝઘડતી કે તું હું કહું એ બધામાં માનતી નથી એટલે જ આપણને કયાંય સારી જગ્યાએ જોબ કે છોકરો નથી મળતો.

હું તેનાં મોઢા સામે જોઈ રહેતી. અને મારા મોઢામાંથી એક જ વાક્ય નીકળતું. “કઈ સદીમાં જીવે છે તું!” જો કે ક્યારેક મને એવું પણ થતું કે શું આ બધું સાચું હશે!

એક દિવસ અલ્કા કોઈ કામથી બાઇક પર જઈ રહેલી અને પાછળથી ટ્રકે તેને હડફેટે લઈ લીધી. અને તે ત્યાં ને ત્યાં જ છુંદો થઈ ગઈ.

અલ્કાને સફેદ કપડું ઢાંકીને ફળિયા વચ્ચે સુવડાવી હતી. તેની મા કાળા સાડલામાં રડી રહી હતી. એનાં બાપાએ બંને પગમાં અલગ-અલગ ચંપલ પહેર્યું હતું…એટલે કે એક કોઈક બીજાનું…અને આજે તો શનિવાર હતો, અને તેનો ભાઈ આજે જ માથામાં તેલ નાખીને બેઠો હોય એવું લાગ્યું.  મને કહેવાનું મન થઈ ઊઠ્યું, માસી આ કાળો સાડલો કાઢી નાખો. કાળો રંગ તો..અને કાકા આ ચંપલ… આ સફેદ કપડું, આ તેલ…ત્યાં જ મારો ફોન રણક્યો.

“હેલ્લો મેમ, આપે ગઈકાલે અમારી કંપનીમાં ઇન્ટરવ્યુ આપેલું એમાં આપ સિલેક્ટ થઈ ગયાં છો. આપ કાલથી જોઈન કરી શકો છો.”

ફોન મુકી હું  એક સફળતાની ફરતે અપશુકનિયાળ વસ્તુઓ જોતી રહી. બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે મારાં માટે પનોતી કોણ હતી આ બધાં રંગ, વાર, તારીખો, તેલ, ચંપલ, કાળીબિલાડી કે પછી સફેદ કપડાં નીચે સુતેલી અલ્કા!