પનામા અને પેરેડાઈઝ પેપર લીકમાં ૯૩૦ જેટલી ભારતીય કંપનીઓના બેનામી રૂ. ૨૦,૩૫૩ કરોડ પકડાયા હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું હતું. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં નાણાં વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પંકજ ચૌધરીએ પણ જણાવ્યું હતું કે, પનામા અને પેરેડાઈઝ પેપર લિક કૌભાંડમાંથી કુલ રૂ. ૧૫૮.૮૮ કરોડની રકમ કર સ્વરૂપે વસૂલવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે, ઈન્કમ ટેક્સ એક્ટ, ૧૯૬૧ અને બ્લેક મની (જાહેર નહીં કરેલી વિદેશી આવક અને અસ્કયામતો) અને ઈમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ, ૨૦૧૫ જેવા કાયદાઓ હેઠળ આવક વેરા વિભાગે વિવિધ કાયદાની જાગવાઈઓના ભંગમાં સંડોવાયેલા લોકો સામે યોગ્ય પગલાં લીધા છે. પ્રત્યક્ષ કર કાયદા હેઠળ આ પ્રકારની કાર્યવાહીમાં તલાશી, જપ્તી, સર્વે, પૂછપરછ, આવકનું મૂલ્યાંકન અને રીઅસેસમેન્ટ, વ્યાજની સાથે ટેક્સ લગાવવો, પેનલ્ટી લગાવવી, ક્રિમિનલ કોર્ટમાં પ્રોસિક્યુશન કમ્પ્લેન્ટ કરવાનો સમાવેશ થાય છે.
પનામા અને પેરેડાઈઝ પેપર લીકના બાવન કેસમાં બ્લેક મની (જાહેર નહીં કરેલી વિદેશી આવક અને અસ્કયામતો) અને ઈમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ, ૨૦૧૫ હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સિવાય ૧૩૦ કેસોમાં આ કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે.
ચૌધરીએ જણાવ્યું હતું કે પેન્ડોરા પેપર્સ લીક સાથે કથિત રીતે સંડોવણી હોય તેવા કેટલાક ભારતીયોના નામ મીડિયાએ જાહેર કર્યા છે. સરકારે આ કૌભાંડની તપાસમાં ઝડપ લાવવા માટે તેને મલ્ટી એજન્સી ગ્રુપ (એમએજી)ની અમ્બ્રેલા હેઠળ પેન્ડોરા પેપર્સ લીકની તપાસ એમએજી હેઠળ વાવવા વિચારણા હાથ ધરી છે.
સીબીડીટી અધ્યક્ષના કન્વિનર શીપ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ભારતીય રિઝર્વ બેન્ક, ભારતનો નાણાકીય ગુપ્તચર અને સીબીડીટીના વિદેશી કર અને કર સંશોધન ડિવિઝન તથા તેની સભ્ય એજન્સીઓનો આ બેઠકમાં સમાવેશ થાય છે. વધુમાં તપાસ પ્રક્રિયા હેઠળ છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.