લાઠીના દુધાળા ખાતે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભારત માતા સરોવરનું લોકાર્પણ કરાશે. પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ ૨૦૧૭માં ગાગડીયો નદી પર હરિકૃષ્ણ સરોવરનું નિર્માણ કર્યું હતું. જેનું અમરેલી ખાતે તા.૧૭/૧૧/૨૦૧૭ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન ગાગડીયો નદી પર ભારત માતા સરોવરનું નિર્માણ કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ સાત વર્ષ પછી આજરોજ પૂરો થશે. આવી જ રીતે ધોળકિયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ગાગડીયો નદી પર દાદાના સરોવરનું નિર્માણ કરેલ તેનું લોકાર્પણ મોરારી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તો બાના સરોવરનું લોકાર્પણ રમેશભાઈ ઓઝાના હસ્તે કરવામાં આવ્યું. ત્યારબાદ નારણ સરોવરનું લોકાર્પણ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ લુવારિયા નજીક યુનાઈટેડ નેશન્સ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું. જેનું લોકાર્પણ દેશના ૧૪મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગુજરાત રાજ્યના મહામહિમ આચાર્ય દેવવ્રતના હસ્તે કરવામાં આવ્યું. ત્યારબાદ ભેંસાણ નજીક ગોવિંદ કાકા ધોળકિયા સરોવરનું નિર્માણ કરી કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારબાદ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે યુ.એન. સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રી દ્વારા હરસુરપુર દેવળીયાથી લીલીયાના ક્રાંકચ સુધી ગાગડીયો નદી પર ચાલી રહેલ જળસંચયની કામગીરીની સમીક્ષા કરી અને કામગીરીની પ્રસંશા કરી હતી. ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ગાગડિયો નદી પર સરોવરની હારમાળા સર્જી દીધી છે અને ૫૦ કરતા વધારે સરોવરનું ગાગડીયો નદી પર સર્જન કરવામાં આવ્યું છે. જેને લઇને ૧૦૦ કરતા વધારે ગામોને જળ સ્રોતોનો ફાયદો થયો છે.