જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા એક કેદી તેની પત્ની સાથે નહીં, પરંતુ તેના લિવ-ઈન પાર્ટનર સાથે સંબંધ બાંધવા માગતો હતો અને આ માટે તેને પેરોલ જાઈએ છે. તેણે દિલ્હી હાઈકોર્ટમાં આ અરજી કરતા જ જજ ગુસ્સે થઈ ગયા અને ચોંકાવનારો ચુકાદો આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, ભારતીય કાયદા અને જેલના નિયમો કોઈપણ કેદીને વૈવાહિક સંબંધો રાખવાની પેરોલની મંજૂરી આપતા નથી, તે પણ ‘લિવ-ઈન પાર્ટનર’ સાથે તો ખાસ.
કેસની સુનાવણી દરમિયાન, દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિ દાવો કરી શકે નહીં કે તેના લિવ-ઈન પાર્ટનર (જે દોષિત વ્યક્તિ પણ છે) સાથે બાળક હોવું કાયદા અને જેલના નિયમોના દાયરામાં તેમનો મૂળ અધિકાર છે, જ્યારે ખાસ કરીને ‘લિવ-ઇન પાર્ટનર’ની પત્ની જીવંત હોય અને તેમને બાળકો પણ હોય. હાઈકોર્ટના જસ્ટીંસ સ્વર્ણકાન્તા શર્માએ કહ્યું કે, ‘એ વાતનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે, હાલનો કાયદો કોઈને કાયદેસર રીતે પરિણીત પત્ની સાથે સંબંધ રાખવા માટે પેરોલની મંજૂરી આપતો નથી. લિવ-ઈન પાર્ટનરને છોડી દો.’
હાઈકોર્ટે એક પુરુષને તેના વૈવાહિક સંબંધોને પૂર્ણ કરવા અને તેના ‘લિવ-ઈન પાર્ટનર’ સાથે સેક્સ કરીને સામાજિક સંબંધો જાળવવા માટે પેરોલ પર મુક્ત કરવાનો ઇનકાર કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. આ વ્યક્તિ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. તેણે શરૂઆતમાં ખુલાસો કર્યો ન હતો કે, તે મહિલા તેની ‘લિવ-ઈન પાર્ટનર’ હતી અને તે તેની કાયદેસર રીતે પરિણીત પત્ની નથી અથવા તે (પુરુષ) પહેલાથી જ કોઈ અન્ય સાથે પરિણીત છે. મહિલાએ અરજીમાં પોતાને તેની પત્ની ગણાવી છે અને પુરુષે એ વાતનો પણ ખુલાસો કર્યો નથી કે, તે તેની પ્રથમ પત્નીથી કાયદેસર રીતે અલગ થઈ નથી, જેની સાથે તેના ત્રણ બાળકો છે.
કોર્ટે કહ્યું કે, ‘ભારતમાં કાયદો અને દિલ્હી જેલના નિયમો વૈવાહિક સંબંધો માટે પેરોલની મંજૂરી આપતા નથી, તે પણ ‘લિવ-ઈન પાર્ટનર’ સાથે, કોર્ટે કહ્યું કે, ‘જા કાયદેસર રીતે પરિણીત પત્ની જીવિત હોય અને ત્રણ બાળકો હોવા છતાં કોઈ દોષિત કાયદા અને જેલના નિયમોના દાયરામાં તેના ‘લિવ-ઇન પાર્ટનર’ પાસેથી બાળક મેળવવાનો મૂળભૂત અધિકાર હોવાનો દાવો કરી શકતો નથી, જે ખૂદ દોષિત પણ છે. ‘લિવ-ઇન પાર્ટનર’ જેને કાયદાકીય રીતે ‘પત્ની’ અથવા ‘પતિ’ તરીકે માન્યતા આપવામાં આવી નથી, તે દિલ્હી જેલના નિયમો હેઠળ ‘કુટુંબ’ની વ્યાખ્યામાં આવતા નથી.