કાંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ કાંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ આજે મીડિયા સમક્ષ આવીને પોતાની પત્ની સાથે ચાલી રહેલા વિવાદ મામલે અનેક ખુલાસા કર્યાં છે. ભરતસિંહ પ્રેસ કોન્ફરન્સમાં પત્ની રેશ્મા પટેલ વિરુદ્ધ અનેક આક્ષેપ કર્યાં છે. તેમના કહેવા પ્રમાણે તેમની લગ્નના ૧૫ વર્ષ સુધી તેમણે બાંધી મુઠ્ઠી રાખી હતી. એટલે કે હું ઘરની વાત ઘરમાં રાખવા માંગતો હતો. હવે હું પત્ની વિરુદ્ધ કોર્ટમાં પુરાવા આપીશ.
આ પ્રસંગે ભરતસિંહે એવો પણ આક્ષેપ કર્યો છે કે, પત્નીએ તેમને મારી નાકવા માટે દોરા-ધાગ પણ કર્યાં છે. ભરતસિંહના કહેવા પ્રમાણે અમિત ચાવડાના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામા બાદ નવા પ્રદેશ પ્રમુખની પસંદગી પહેલા મને ટાર્ગેટ કરવાનું શરૂઆત કરવામાં આવી હતી. સાથે જ ભરતસિંહે એવી વાત કરી હતી કે જા કોઈ સ્વીકારવા તૈયાર હશે તો હું ત્રીજા લગ્ન પણ કરીશ. આ સાથે જ ભરતસિંહ રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે તેઓ સંગઠન માટે કામ કરતા રહેશે. સાથે જ રાજકારણમાંથી બ્રેક લેવાનો નિર્ણય અંગત હોવાનું ભરતસિંહે જણાવ્યું હતું.
પત્રકારા પરિષદ દરમિયાન ભરતસિંહ જણાવ્યું હતું કે, “છેલ્લા સાતેક મહિનાથી ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અને તેમાં વ્યક્તિગત રીતે જે કોઈ મારા માટે વિવાદો ચાલ્યા અને તેના કારણે રોજ-બરોજ અત્યારસુધી અસંખ્ય લોકો મને એમ કહેતા હતા કે તમે કેમ કંઈ બોલતા નથી? હું કોરોનામાં હતો ત્યારે હજારો લોકોએ પ્રાર્થના કરી. તમામ લોકોની શુભેચ્છાથી મને નવજીવન મળ્યું.”
“હું ૧૯૯૨માં રાજકારણમાં આવ્યો, સતત લોકોનો પ્રેમ મળ્યો. હાઇકમાન્ડનો પણ સહકાર મળ્યો. એક નાનકડા કાર્યકરથી પ્રદેશ પ્રમુખ, ભારત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી સુધી પહોંચ્યો. મારું ૩૦ વર્ષનું જાહેર જીવન રહ્યું છે. આ દરમિયાન મારા પર કોઈ કિચડ ઉછળી નથી. કોઈ તકરાર કે વિવાદનો પણ દાખલો નથી. ચૂંટણીનો સમય આવે ત્યારે અચાનક કંઈકને કંઈ નવું શરૂ થાય છે.”
“જાહેર જીવનમાં આવ્યો ત્યારથી રામનું મંદિર બંધાય તો ભરતને આનંદ થાય કે ન થાય તેવું હું ૨૫ વર્ષથી કહેતો આવ્યો છું. આ દેશના હિન્દુ મંદિરોને બચાવવા માટે ક્ષત્રિયોએ પોતાના બલિદાન આપ્યા છે. અમારું તો એવું જ કહેવું છે કે રામ મંદિરમાં તમામની ભાગીદારી છે. તેમાં કંઈ ખોટું થયું હોય તો તે વિશે ધ્યાન દોરવાનો અમનો અધિકાર છે. રામ મંદિર વિશે મારી રજુઆતને તોડી મરોડીની રજૂ કરવામાં આવી છે. અમે હિન્દુ ધર્મમાં માનનારા અને સાચા રક્ષકો પણ છીએ.”
“સમાજમાં છૂટાછેડાના બનાવો બનતા જ હોય છે. આવા અનેક બનાવો બને છે. હકીકતમાં ઘરની વાત ઘરમાં રહે તે વાતમાં હું માનું છું. મીડિયા કે ટીવીમાં આવવાથી પ્રશ્નનું નિરાકરણ આવતું નથી. આવા પ્રશ્નનું નિરાકરણ કુટુંબકબિલા અને ત્યાંથી વાત ન પતે તો કોર્ટમાં આવી શકે છે. કોર્ટ ગુણદોષના આધારે નક્કી કરશે કે આ બાબતે શું નિર્ણય કરવો. મારી પાસે અનેક પુરાવા છે.”
“મીડિયા સતત એવી વાત ચાલી કે મારી પત્નીએ કોરોના કાળમાં મારી ખૂબ સેવા કરી છે. તેમણે જે કહ્યું તે બધાએ માની પણ લીધું. કોરોના બાદ મને બેન્કર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મારી તબિયત વધારે ખરાબ થતાં ડાક્ટરે મને સિમ્સ એઇમ્સ ખસેડવાની વાત કરી હતી. એ સમયે તેમણે મારા પિતાને ફોન કરીને કહ્યું કે ભરત બહું લાંબુ નહીં જીવે. તમે તાત્કાલિક અહીં આવો. મારા ભાઈ અતુલ સોલંકીએ જ્યારે આગ્રહપૂર્વક કહ્યુ કે, અમે તેમને સિમ્સ લઈ જવાના છીએ ત્યારે તેઓ નાછૂટકે એમ્બ્યુલન્સ પાછળ આવ્યા હતા.”
“બેન્કર હોસ્પિટલમાંથી મને સિમ્સમાં લઈ જવાયો અને મને આઇસીયુમાં દાખલ કરાયો હતો. આ સમયે તેઓ મળવા આવ્યા ત્યારે તેમણે પ્રથમ સવાલ એ પૂછ્યો કે તમે મરી ગયા પછી મારું શું? તેઓ હંમેશા એક જ વાત કરી કે તમે મારા નામ પર પ્રોપર્ટી કરી આપો.આઇસીયુમાંથી બહાર આવ્યા પછી પહેલો સવાલ એ થયો કે પૈસાનું શું? તેમણે મારી એક કાર વેચી દીધી. ડ્રાઇવર અને નોકરોનો કાઢી મૂક્યા. બીજા ઘરનું રાચરચીલું વેચી દીધું. મારા પૈસા ક્યાં તેની તપાસ સિવાય તેમણે કંઈ કામ કર્યું નથી. લોકડાઉનમાં મારા મિત્રના ઘરેથી જમવાનું મંગાવવું પડે તેવી સ્થિતિ ઊભી કરી હતી. મારા ઘરની આસપાસના લોકોને પૂછશો તો તેઓ પણ તેમને વર્તન વિશે કહેશે.” “મારે કોઈ બાળક નથી. મારું મૃત્યું થાય તો મારી મિલકત સ્વાભાવિક રીતે પત્નીને જ મળે પરંતુ તેમને ધીરજ ન હતી. તેમને એવું હતું કે હું ક્યારે મરું અને તેમને મારી સંપત્તિ મળે. મારા ખાવામાં, દૂધમાં કંઈક ભેળવી દેવાના દાખલા છે. તેઓ દોરા, ધાગા, મુલ્લા, મૌલવીને જઈને પૂછતા હતા કે આ ક્યારે મરશે?”