બાબરાના સુખપર ગામે પત્ની સાથે વાતચીત કરવાના વહેમમાં યુવકને માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત જાનથી મારવાની ધમકી પણ આપી હતી.
બનાવ અંગે મનસુખભાઈ જગશીભાઈ સાંકળીયા (ઉં.વ.૩૦) એ ભરતભાઇ વસ્તાભાઇ મકવાણા, સાગરભાઇ વસ્તાભાઇ મકવાણા, સંજયભાઇ વસ્તાભાઇ મકવાણા તથા એક અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, મનસુખભાઈ સાંકળીયા હીરાના કારખાનામાં કામ કરતા હતા.
આ કારખાનામાં તેની સાથે કામ કરતી મહિલાના પતિ સહિતના આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીએ તેની પત્ની સાથે વાતચીત કરવાના વહેમમાં લાકડી અને પાવડાના હાથા વડે યુવકને બેરહેમીથી માર માર્યો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. આરોપી સાગર અને અન્ય વ્યક્તિએ ફરિયાદી યુવક આશાબેન સાથે વાતચીત કરતો હોવાનું માની લીધું હતું. આ વહેમના કારણે, આરોપીઓ લાકડી અને પાવડાના હાથા જેવા હથિયારો સાથે ફરિયાદીના કારખાને પહોંચ્યા હતા. ત્યાં તેમણે યુવકને અશ્લિલ શબ્દોમાં ગાળો આપી હતી અને બાદમાં તેના પર આડેધડ હુમલો કર્યો હતો. આરોપીઓએ તેમને બેરહેમીથી માર મારતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલામાં યુવકના જમણા પગનો નળો ભાંગી નાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત, જમણા હાથે પણ ફ્રેક્ચર થયું હતું અને આખા શરીરે મુંઢ ઈજાઓ થઈ હતી. હુમલા બાદ આરોપીઓએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એસ. ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે.










































