ખાંભા તાલુકાના ધુંધવાણા ગામે એક પુરુષે ભૂલથી ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પત્ની સાથેના પારિવારિક વિખવાદને કારણે સુરતથી નીકળી સીધો પોતાના વતનના ખેતરે પહોંચેલા પુરુષ સાથે આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. મૂળ ખાંભાના ધુંધવાણા ગામના અને હાલ સુરતના ભાઠા-અમરોલી પાસે રહેલા વિરાભાઇ લક્ષ્મણભાઇ ચૈહાણ (ઉ.વ.૫૦) એ જાહેર કર્યા મુજબ, તેમને છેલ્લા ઘણા સમયથી તેની પત્ની સાથે ઘરકામ કે અન્ય બાબતોને લઈને વારંવાર ઝઘડા થતા હતા. પત્ની સાથેના વિખવાદમાં મનદુઃખ થતા કોઈને પણ કહ્યા વગર સુરતથી પ્રાઈવેટ બસમાં બેસીને પોતાના વતનના ગામ ધુંધવાણા પહોંચ્યો હતો. ગામમાં આવ્યા બાદ પોતાના ખેતરે ગયો હતો અને ઘાસમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. દવા પીધા બાદ તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.