વડોદરામાં પ્રેમલગ્નના ૩ વર્ષમાં જ પતિએ પત્નીની હત્યા કરી નાંતા ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં પત્નીના આડા સંબંધની શંકાને પગલે તેણે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. પત્ની પ્રાઈવેટ કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી હતી. જેના આડાસંબંધ હોવાની આશંકા રાખી ટ્રક ડ્રાઈવર પતિ અવારનવાર ઝઘડા કરતો રહેતો હતો. આ આશંકાના કારણે જ ડ્રાઈવર પતિએ રાત્રિના સમયે ઊંઘી રહેલી પત્નીને ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. પત્નીની હત્યા નિપજાવી તેને પહેરેલા દાગીના ઉતારી ફરાર થયેલા પતિને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના ન્યુ સમા રોડ પર આવેલ ડિફેન્સ કોલોની-૨માં રહેતા શ્રીધર પૂજારીની દીકરી પૂર્ણિમા પૂજારીએ ત્રણ વર્ષ પહેલાં મનજિતસિંગ ધિલ્લોન સાથે લવ વિથ અરેન્જ મેરેજ કર્યા હતાં. મનજિતસિંગ ટ્રક ડ્રાઇવરનું કામ કરે છે અને પૂર્ણિમા વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે રવિ એનર્જી નામની કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે છેલ્લાં ત્રણ વર્ષથી નોકરી કરતી હતી. પૂર્ણિમા અને મનજિતસિંગ વચ્ચે અવાર-નવાર પૂર્ણિમાની નોકરી અને પૂર્ણિમાના કોઇની સાથે અનૈતિક સબંધ છે, તે વાતને લઇને ઝઘડોઓ થતાં રહેતા હતા અને મનજિત ક્યારેક ક્યારેક રાત્રીના સમયે પૂર્ણિમા સાથે મારામારી કરતો હતો, તે સમયે પૂર્ણિમાનો ભાઈ નીતિન તેને છોડાવતો હતો.
ગત ૧૧ ડિસેમ્બરના રોજ રાતે ૧ વાગ્યાની આસપાસ મનજિતસિંગ ધિલ્લોન મારા ઘરે આવ્યો હતો અને દરવાજા ખખડાવ્યો હતો, જેથી તેના સસરા શ્રીધર પૂજારીએ દરવાજા ખોલ્યો હતો અને મનજિતસિંગ ધિલ્લોન પૂર્ણિમાના રૂમમાં સૂવા ગયો હતો. તા. ૧૨ ડિસેમ્બરના રોજ સવારે શ્રીધરભાઈ નોકરી પર ગયા હતા અને બપોરે ૧ વાગ્યાની આજુબાજુ ઘરે પરત આવ્યા હતો,પૂર્ણિમાના પિતા શ્રીધરભાઈ જમવા માટે રસોડામાં ગયા હતા, પરંતુ જમવાનું બનેલ નહોતું,
જેથી તેઓ પૂર્ણિમાના રૂમમાં ગયા હતા, તો પૂર્ણિમા બેડ ઉપર સૂતી હતી, પરંતુ જમાઇ મનજિતસિંગ ધિલ્લોન ઘરમાં હાજર નહોતો, જેથી પિતાએ દીકરીને માથા ઉપર હાથ લગાવી જગાડવાની કોશિશ કરી હતી, પરંતુ તે જાગી નહોતી, જેથી તેઓએ જમાઇને ફોન કરતા તેનો ફોન લાગ્યો નહોતો, તે દરમિયાન પડોશીઓને જાણ થતાં તેઓ આવી ગયા હતા.શ્રીધરભાઈએ તેમની દીકરી વીણાને ફોન કરીને જાણ કરી હતી. વીણાએ ગોવા ફરવા ગયેલા તેના ભાઈ નીતિનને જાણ કરતા નીતિન તેના મિત્રોને જાણ કરી હતી અને દોડતાં દોડતાં આવી ગયા હતા. તેઓએ પણ પૂર્ણિમાને જગાડવાની કોશિશ કરી હતી, પરંતુ તે જાગી નહોતી. જેથી પૂર્ણિમાને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં ફરજ ઉપરના ડોક્ટરોએ પૂર્ણિમાને મૃત જાહેર કરી હતી.પૂર્ણિમા પોતાના ગળામાં કાળા મોતીનું મંગળસૂત્ર તેમજ કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી તેમજ હાથની બે વિંટીઓ જણાઈ આવી નહોતી, જેથી તે સમયે પિતા શ્રીધરભાઇને જમાઇ મનજિતસિંગ ઉપર શંકા ગઈ હતી. બાદમાં પૂર્ણિમાનું પોસ્ટમોર્ટમ થતા ડોક્ટરોએ જણાવ્યું હતું કે, પૂર્ણિમાનું કોઇએ ગળું દબાવીને મારી નાખી છે. જેથી. પૂર્ણિમાના પિતા શ્રીધરભાઈએ આ મામલે જમાઈ મનજિતસિંગ સામે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમા પોલીસે આરોપી મનજિતસિંગની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.એસીપી એચ ડિવિઝન જી. બી. બાભણિયાએ જણાવ્યું હતું કે, પત્નીની હત્યા મામલે આરોપી પતિ મનજિતસિંગની ધરપકડ કરી છે. બંનેના લવ મેરેજ ત્રણ વર્ષ પહેલાં થયાં હતાં. આરોપી પતિ ત્રણ વર્ષથી ઘર જમાઈ તરીકે રહેતો હતો.