પત્ની સાથેના અણબનાવ અને કૌટુંબિક કલેશથી કંટાળીને એક યુવકે ફીનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવ્યો હતો. મળતી વિગતો મુજબ, મુકેશભાઇ દામજીભાઇ પરમાર નામના યુવકના લગ્ન આશરે નવ વર્ષ પહેલાં થયા હતા. છેલ્લા પાંચેક મહિનાથી તેની પત્ની મનદુઃખના કારણે રિસાઈને માવતરે જતી રહી હતી. યુવક પોતાની પત્નીને લેવા માટે ગયો હોવા છતાં સાસુ-સસરા તેને મોકલવા તૈયાર ન હતા. આ બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન ન થતાં યુવક માનસિક તણાવમાં હતો. ગત તા. ૯ ઓગસ્ટના રોજ મુકેશે તેની પત્નીને ફોન કરીને ઘરે પાછા ફરી સમાધાન કરી લેવા વિનંતી કરી હતી, અને જો તે પાછી નહીં આવે તો દવા પી લેવાની ચીમકી આપી હતી. સામે પક્ષે પત્નીએ ‘દવા પી જા તો પણ હું નહીં આવું’ તેમ કહેતા યુવકને અત્યંત લાગી આવ્યું હતું. જ બાદ યુવક પોતાના ઘરેથી નીકળી ખાંભા-પીપળવા રોડ પર આવેલા પુલ પર પહોંચ્યો હતો, જ્યાં તેણે ફીનાઇલ પી લીધું હતું.યુવકની હાલત બગડતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.પી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.