મૂળ કોડીનાર તાલુકાના વેલણ ગામની અને વેરાવળ તાલુકાના નાવદ્રા ગામે પરણાવેલી મહિલાની હત્યા કરવાના ગુનામાં તેના જ પતિને કોડીનારની કોર્ટે આજીવન કેદની સજા અને રૂ. ૧૦,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. મળતી માહિત મુજબ પતિ-પત્ની વચ્ચેના અણબનાવને કારણે હંસાબેન તેના પિયર આવ્યા હતા. એ દરમિયાન ગમે તે કારણોસર ઉશ્કેરાઈ જઈને હરેશે હંસાબેનના ગળામાં તિક્ષ્ણ હથિયાર મારીને મૃત્યુઘાટ ઉતારી હતી. બાદમાં તેને પસ્તાવો થતા પોતાની જાતે પોતાના પેટમાં પણ તે હથિયાર મારી દેતા તે લોહી લુહાણ થઈને પડી ગયેલ. આ ઘટનાને નિહાળનાર બાળ સાહેદ પિયુષનું જે તે સમયે પોલીસે નિવેદન લીધું નહોતું. પરંતુ કેસ દરમિયાન સાહેદ પિયુષની પૂછપરછ કરવા કોર્ટે મંજૂરી આપતા તેની જુબાનીના આધારે કોડીનાર સેશન્સ કોર્ટે હરેશને સજા સંભળાવી હતી.








































