રામ અને સીતાનું દામ્પત્ય જીવન ભારતીય પ્રજા માટે આરાધ્ય છે પરંતુ આદર્શ નથી. આદર્શ તરીકે આપણે શિવ અને પાર્વતીને પ્રતિષ્ઠિત કરેલા છે. નવદંપતીને વશિષ્ટ અને અરૂન્ધતીના કે શિવ અને પાર્વતી જેવા પ્રસન્ન દાંપત્યના આશીર્વાદ આપવાની પરંપરા છે. અરૂન્ધતીના આશીર્વાદ એટલા માટે કે એને પતિ વશિષ્ટની ભૌતિક સંપત્તિમાં રસ નથી, એને તો પતિદેવનો આધ્યાત્મિક વારસો જ જોઈએ છે. જે અમર તત્ત્વ છે અને જે વશિષ્ટના અંતઃકરણમાં નિરંતર વિદ્યમાન છે એને અરૂન્ધતી ચાહે છે. રામ વનવાસે છે અને સાથે બંધુ લક્ષ્મણ અને પત્ની સીતા પણ છે. પંચવટીમાં રાવણનું આગમન થયું એના કારણોમાં આપણે બહુ ઊંડા ઉતરતા નથી, કારણ કે એમાં માતા સીતાનો પણ કંઈક વાંક છે. લક્ષ્મણ રેખાના ઉલ્લંઘનથી રામાયણ અને દરેક રામાયણ એક ખતરનાક વળાંક લે છે.

સીતાજી જાણે છે કે આપણે અત્યારે વનવાસે આવ્યા છીએ. પિતા દશરથ દ્વારા પ્રસન્નતાથી માતા કૈકેયીને અપાયેલા બે વચનોનો દુરુપયોગ કરીને, ટ્વીસ્ટ ઈન ધ પ્રોમિસ દ્વારા એ કૈકેયીએ ક્રૂરતાપૂર્વક રામને વનવાસ મોકલેલા છે. એટલે કે એક સંકટનો સમય છે અને એને શાંતિથી પસાર કરવાનો છે. પતિનો સંકટકાળ શાંતિથી પસાર કરી આપવો એ દરેક સહધર્મચારિણિનો આપદ્ ધર્મ છે. સીતા પણ આમ તો રામના દુઃખમાં ભાગ લેવા જ આવ્યા છે. પરંતુ સુવર્ણ મૃગ જોઈને તેઓ વીસરી ગયા કે આપણે તો અત્યારે વનવાસે છીએ અને આવો મોહ અને મુગ્ધતા અત્યારે ન શોભે. સમગ્ર રામાયણમાં સીતાજી અહીં પંચવટીમાં જ સાધારણ મનુષ્ય અને સામાન્ય સ્ત્રી તરીકેનું વર્તન કરે છે. સાવ સામાન્ય રીતે મનુષ્ય જ્યારે પોતાની ઈચ્છાઓને આધીન થઈ જાય છે ત્યારે આપત્તિ આવવાની સંભાવના વધી જાય છે.

સીતાજીએ રામને કહ્યું કે મેં આ દિશામાં જતાં એક સુવર્ણ મૃગને જોયું છે. તે બહુ જ સુંદર છે. મને તે લાવી આપો. એના જવાબમાં રામે પ્રથમ તો કહ્યું કે હે સીતે… તું જાણે જ છે કે સુવર્ણ મૃગ તો કલ્પનાનો વિષય છે. સુવર્ણ મૃગ પૃથ્વી પર હોતું નથી. એટલે એમ અત્યારે સુવર્ણ મૃગ પાછળ દોડી જવાનો કોઈ અર્થ નથી અને અનર્થનો ભય રહે છે. હું જાણું છું કે સુવર્ણ મૃગ હોતું નથી – મારા એ જ્ઞાનને પડતું મૂકીને વ્યર્થ પ્રવૃત્ત થવાનું કોઈ કારણ નથી. પરંતુ સીતાએ જિદ કરી કે મારે તો એ સુવર્ણ મૃગ જોઈએ જ છે. આખરે રામે પંચવટીનો ત્યાગ કરવો પડ્યો અને સીતાએ કહેલી દિશામાં સુવર્ણ મૃગનો શિકાર કરવા પીછો કરવા પગ ઉપાડ્યા. ઈચ્છાઓને અંકુશમાં રાખવાનું કામ કઠિન છે. જનકપુત્રી પણ જો એમાં ગોથા ખાઈ જાય તો સામાન્ય મનુષ્યની તો શું હાલત થાય. સ્ત્રી હોય કે પુરુષ… ઘણી વાર પોતાનો સમય, સંયોગો અને હેસિયત બધું જ ભૂલી જાય છે. એક તરંગ એમના મન પર સવાર થઈ જાય છે. અને આગળ જતાં એ તરંગ જ એમના સર્વ દુઃખનું કારણ સાબિત થાય છે.

અશોક વાટિકામાં બેઠાં બેઠાં સીતાજીને એક જ દૃશ્ય દેખાયા કરે છે… સોનેરી હરણ પાછળ દોડતા રામ…. એમને એ વિચાર વારંવાર આવ્યો હોય કે મેં રામને મૃગની પાછળ ન મોકલ્યા હોત તો સારું થાત. રામના શબ્દો અશોકવનમાં પણ સંભળાયા હશે… હે સીતે… સુવર્ણ મૃગ તો કલ્પનાનો વિષય છે…સીતાજીની એક જ મનોકામના જે રામની દૃષ્ટિએ અવ્યાવહારિક અને ખોટી જિદ છે એને કારણે આ દંપતી વચ્ચે સમયની એક તિરાડ પડી જાય છે. કથા તો જાણીતી છે. પરંતુ જિંદગીમાં ઘરે ઘરે જે સીતા છે અને ઘરે ઘરે જે રામ છે એની વચ્ચે પણ સુવર્ણ મૃગ આવી જાય છે ક્યારેક. ગૃહિણીને જે જોઈએ છે તે લાવી આપવાની જવાબદારી ગૃહસ્થની છે પણ ગૃહિણીએ પોતાના સમય-સંયોગોનો વિચાર કરવો ઘટે. રામની ક્ષમતા અનંત છે અને સીતા એ જાણે છે. સીતાને વિશ્વાસ છે કે રામ સુવર્ણ મૃગ સુધી પહોંચશે.

રામ અંતર્યામી છે પરંતુ રામાવતાર તો મુખ્યત્વે વિષ્ણુનો મનુષ્યાવતાર છે. રામમાં સામાન્ય મનુષ્યના તમામ ગુણો વિદ્યમાન છે, ઉપરાંતના મહાન ગુણસંપુટ પણ છે. રામમાં શક્તિ છે, ચમત્કાર નથી. પરંતુ રામને જિંદગીમાં પરિણામો સદાય અણધાર્યા મળ્યા છે. વળી એ પરિણામો પરત્વે રામમાં સમત્વ છે. સ્વીકારી લીધેલા જીવનના સ્વામી રામ છે. એ પ્રવાહને મંગલ દિશામાં વાળવાનો પ્રયત્ન કરે છે પણ દુરાગ્રહ કરતા નથી. જીવનને એના લયમાં તેઓ વહેવા દે છે. એકવાર સીતાને કહ્યું અને સમજાવવા પ્રયત્ન કર્યો કે સુવર્ણ મૃગની ઘેલછા રાખવા જેવી નથી. પરંતુ સીતાએ જિદ કરી તો પછી સ્વયં પણ એ ઘટનામાં જ્ઞાની હોવા છતાં એક અજ્ઞાનીની જેમ પ્રવૃત્ત થયા.

રામે સમગ્ર જીવનકાળ દરમિયાન પોતાના અભિપ્રાયો અને વિચારોને અનુસરવા માટે કોઈનેય ફરજ પાડી નથી. રામ અને સીતાના પ્રસન્ન દામ્પત્યનું આ એક રહસ્ય છે. તેમ છતાં જેટલા દુઃખ રામ અને સીતાએ વેઠવાના આવ્યા એટલા તો ભાગ્યે જ કોઈને ભોગવવાના આવ્યા હોય. રામ-સીતાના અખિલ જીવનમાંથી દામ્પત્યનું સરવૈયું જુદું તારવો તો ખ્યાલ આવે કે એમાં પારસ્પરિક અંતરાયો વારંવાર આવતા જ રહ્યા છે. રામ અને સીતાના દામ્પત્ય જીવનને પહેલા તો કૈકેયીની નજર લાગી. જીવનના અમૃતનો કુંભ અહીંથી ઢોળાઈ જવાની શરૂઆત થઈ. અને પછી જીવનભર કોઇ ને કોઇ રીતે રામ અને સીતા વચ્ચે અંતરાયો આવતા જ રહ્યા છે. રામ જેવા આદર્શ રાજવી અને સીતા જેવા મહાન મહારાણી હોવા છતાં દુઃખ કદી એમનો પીછો છોડતું નથી.