(એ.આર.એલ),ઢાકા,તા.૧૫
શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા બાદ બાંગ્લાદેશમાં કટ્ટરવાદ પ્રબળ બની રહ્યો છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસ એક પછી એક એવા નિર્ણયો લઈ રહ્યા છે જે બાંગ્લાદેશની સ્થાપના સમયે તેની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. આ સાથે જ હવે બાંગ્લાદેશ પણ પોતાને ઈસ્લામિક દેશ જાહેર કરે તેવી શક્યતા છે. બાંગ્લાદેશના ટોચના કાયદા અધિકારીએ દેશના બંધારણમાંથી બિનસાંપ્રદાયિક અને સમાજવાદી શબ્દો હટાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
બાંગ્લાદેશના એટર્ની જનરલ મોહમ્મદ અસઝમાને એક રિટ અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટમાં અનેક દલીલો કરી છે. એટર્ની જનરલે બાંગ્લાદેશના બંધારણના ચારમાંથી બે સિદ્ધાંતો એટલે કે ધર્મિનરપેક્ષતા અને સમાજવાદને દૂર કરવાની માંગ કરી છે. આ સાથે શેખ મુજીબુર રહેમાનના રાષ્ટપિતાનો દરજ્જા નાબૂદ કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત બંધારણ બહારના માધ્યમથી સરકાર બદલવા માટે ફાંસીની સજાની જાગવાઈ કરવાની માંગ કરવામાં આવી હતી.
બાંગ્લાદેશની કોર્ટમાં દાખલ કરાયેલી રિટ પિટિશનમાં તત્કાલિન શેખ હસીના સરકાર દ્વારા ૨૦૧૧માં કરાયેલા બંધારણના ૧૫મા સુધારાની માન્યતાને પડકારવામાં આવી છે. આ સુધારામાં બિનસાંપ્રદાયિકતા પુનઃસ્થાપિત કરવા, ચૂંટણીઓ પર દેખરેખ રાખવા માટે વચગાળાની સરકારની પ્રણાલીને નાબૂદ કરવા, બંધારણ સિવાયના માધ્યમથી સત્તા સંભાળવા અને શેખ મુજીબુર રહેમાનને રાષ્ટપિતાનો દરજ્જા આપવાનો સમાવેશ થાય છે. કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી છે કે શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના નેતા હતા. જાકે, અવામી લીગ પાર્ટીએ પોતાના હિતમાં તેમનું રાજનીતિકરણ કર્યું છે.
બાંગ્લાદેશ હાઈકોર્ટના બે ન્યાયાધીશોની બેન્ચે એક નિયમ જારી કરીને મોહમ્મદ યુનુસની સરકારને આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે. તમને જણાવી દઈએ કે ૫ ઓગસ્ટના રોજ બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન અને મોટા
પાયે હિંસા વચ્ચે શેખ હસીનાની અવામી લીગ સરકારને ઉથલાવી દેવામાં આવી હતી.