(એ.આર.એલ),ભુવનેશ્વર,તા.૮
નવીન પટનાયકના બીજુ જનતા દળને ઓડિશામાં તાજેતરમાં યોજાયેલી લોકસભા અને વિધાનસભા ચૂંટણી ૨૦૨૪માં મોટો આંચકો લાગ્યો હતો. પાર્ટી રાજ્યમાં એક પણ લોકસભા સીટ જીતી શકી નથી. આ સાથે નવીન પટનાયકે ઓડિશામાં બે દાયકાથી વધુ સમયથી સત્તા ગુમાવી દીધી હતી. રાજ્યમાં ભાજપે પ્રથમ વખત સરકાર બનાવી છે. હવે આ હાર બાદ નવીન પટનાયક એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે પાર્ટીમાં એક પછી એક અનેક નિમણૂંકો કરી છે.
બીજુ જનતા દળ (બીજેડી) એ રાજ્ય સ્તર અને રાષ્ટય સ્તરના પ્રવક્તાઓની નિમણૂક કરી છે. પાર્ટીએ પ્રસન્ના આચાર્ય, પ્રમિલા મલ્લક અને દેબી મિશ્રા સહિત ૧૪ નેતાઓને રાજ્ય સ્તરના પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે, સંતરુપ મિશ્રા, કલિકેશ નારાયણ સિંહ દેવને રાષ્ટય પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
બીજુ જનતા દળ (બીજેડી)માં નવી નિમણૂંકોમાં સંતરૂપ મિશ્રાને પાર્ટીના પ્રમુખ નવીન પટનાયકના નવા રાજકીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે બીજુ જનતા દળે તેના રાજ્ય સ્તરના પદાધિકારીઓનું પણ વિસર્જન કર્યું છે. તમને જણાવી દઈએ કે પહેલા વીકે પાંડિયનને નવીન પટનાયકના સલાહકાર માનવામાં આવતા હતા.તાજેતરમાં યોજાયેલી ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પહેલીવાર બહુમતી સાથે જીત મેળવી છે. ઓડિશા વિધાનસભામાં કુલ ૧૪૭ સભ્યો છે. ૪ જૂને જાહેર થયેલા પરિણામોમાં ભાજપે ૧૪૭માંથી ૭૮ બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે. નવીન પટનાયકની બીજેડીએ ૫૧, કોંગ્રેસને ૧૪, સીપીઆઈએમને ૧ અને અન્યને ૩ બેઠકો મળી છે.