પટણા જિલ્લાના દાનાપુર ડાયરા હેઠળના અકીલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના માનસ પંચાયતમાં સ્થિરત માનસ નયા પાનાપુર ગામમાં ઘરની છત તૂટી પડતાં એક પરિવારના પાંચ સભ્યોના મોત થયા. સ્થાનિક લોકોનું કહેવું છે કે અચાનક છત તૂટી પડતાં ઘરમાં બધા સૂતા હતા. ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા. છત તૂટી પડવાનો અવાજ સાંભળીને રહેવાસીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક પોલીસને જાણ કરી. સ્થાનિક રહેવાસીઓની મદદથી પોલીસે ઘણી મહેનત પછી મૃતદેહો બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.મૃતકોની ઓળખ બબલુ (૩૬), તેમની પત્ની રોશન ખાતુન (૩૨), પુત્રીઓ રૂખસાર (૧૨), ચાંદની (૨) અને પુત્ર ચાંદ (૧૦) તરીકે થઈ છે. ઘટના બાદ પરિવાર દુઃખી છે. તેમનું કહેવું છે કે ઘટના બની ત્યારે પરિવાર રાબેતા મુજબ રાત્રિભોજન પછી સૂઈ રહ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે પરિવારના પાંચેય સભ્યોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.સ્થાનિક લોકોનું કહેવું છે કે બબલુને થોડા વર્ષો પહેલા આવાસ યોજના હેઠળ આ ઘર મળ્યું હતું. કોઈને ખ્યાલ પણ નહોતો કે તે આટલું નાજુક હશે. આર્થિક તંગીને કારણે બબલુ પોતાનું ઘર રિપેર કરી શક્્યો ન હતો. લોકોએ વહીવટીતંત્રને આ બાબતને ગંભીરતાથી લેવા અને સમગ્ર ઘટનાની તપાસ કરવા અપીલ કરી છે. પોલીસનું કહેવું છે કે અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પીટલમાં મોકલવામાં આવ્યા છે. વધુ તપાસ ચાલુ છે.









































