ઇંગ્લેન્ડના અનુભવી ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને આ મહિનાના અંતમાં સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાનારી આઇપીએલ ૨૦૨૫ માટે ખેલાડીઓની મેગા ઓક્શનમાં સામેલ કરવામાં આવશે નહીં. રાત્રે તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી માહિતી આપતાં આઇપીએલએ કહ્યું હતું કે ૨૪ અને ૨૫ નવેમ્બરે મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવશે. કુલ ૧૫૭૪ ખેલાડીઓએ આ માટે નોંધણી કરાવી છે, જેમાં ઋષભ પંત, કેએલ રાહુલ, મિશેલ સ્ટાર્ક અને શ્રેયસ ઐયર જેવા અનુભવી ખેલાડીઓ પણ સામેલ છે.
આ વખતે હરાજીમાં કેટલાક ભારતીય દિગ્ગજ પણ જાવા મળશે જેમને તેમની ફ્રેન્ચાઈઝીએ જાળવી રાખ્યા નથી. પંત, રાહુલ અને શ્રેયસ, જે અનુક્રમે દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્‌સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ કરી રહ્યા હતા, હવે હરાજીના ટેબલ પર હશે. આ ત્રણેય ખેલાડીઓએ રૂ. ૨ કરોડની બેઝ પ્રાઇસ કેટેગરીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે જે હરાજીમાં સૌથી વધુ બેઝ પ્રાઇસ કેટેગરી છે. આ યાદીમાં અનુભવી ઓફ સ્પિનરો રવિચંદ્રન અશ્વીન અને યુઝવેન્દ્ર ચહલનો પણ સમાવેશ થાય છે, જેમને રાજસ્થાન રોયલ્સ દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા.
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, જે ગયા વર્ષે ભારતમાં રમાયેલા વનડે વર્લ્ડ કપ બાદથી સ્પર્ધાત્મક ક્રિકેટમાંથી બહાર છે, તે પણ ૨ કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ સાથે આ યાદીમાં સામેલ છે. શમીને ગુજરાત ટાઇટન્સે જાળવી રાખ્યો નથી અને હવે તે હરાજીમાં ઉતરશે. તે જાણીતું છે કે ઈજાના કારણે શમી લગભગ એક વર્ષથી કોઈ મેચ રમ્યો નથી.
ખલીલ અહેમદ, દીપક ચહર, વેંકટેશ અય્યર, અવેશ ખાન, ઈશાન કિશન, મુકેશ કુમાર, ભુવનેશ્વર કુમાર, પ્રસીદ કૃષ્ણ, ટી. નટરાજન, દેવદત્ત પડિકલ, કૃણાલ પંડ્યા, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ જેવા અન્ય ભારતીય ખેલાડીઓએ પણ ૨ કરોડની સૌથી વધુ બેઝ પ્રાઈસ સાથે આ યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
છેલ્લી હરાજીમાં આઇપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયેલો ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક ફરી એકવાર હરાજીમાં જાવા મળશે કારણ કે તેની ટીમ કેકેઆરએ તેને રિલીઝ કર્યો હતો. સ્ટાર્ક છેલ્લે રૂ. ૨૪.૫૦ કરોડમાં વેચાયો હતો અને આ વખતે તેને રૂ. ૨ કરોડની મૂળ કિંમતમાં સામેલ કરવામાં આવશે. બીજી તરફ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જાફ્રા આર્ચર પણ સમાન બેઝ પ્રાઈસ સાથે આ યાદીમાં સામેલ છે. આર્ચર ૨૦૨૩ થી આઇપીએલ રમ્યો નથી. તે જ સમયે, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને પણ પોતાને હરાજી માટે ઉપલબ્ધ કરાવ્યો છે અને તેની મૂળ કિંમત ૧.૨૫ કરોડ રૂપિયા છે. એન્ડરસન ૨૦૧૪થી એકપણ ટી૨૦ રમ્યો નથી. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે અને તે ઈંગ્લેન્ડના બોલિંગ કોચની ભૂમિકા નિભાવી રહ્યો છે.
આઇપીએલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ૪ નવેમ્બર સુધી મેગા ઓક્શન માટે ૧૫૭૪ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ૧૧૬૫ ભારતીય અને ૪૦૯ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સામેલ છે. તેમની વચ્ચે ૩૦ સહયોગી દેશોના ખેલાડીઓ પણ છે. સાઉથ આફ્રિકાના ખેલાડીઓએ આઇપીએલ માટે સૌથી વધુ નોંધણી કરી છે. તેમની સંખ્યા ૯૧ હોવાનું કહેવાય છે.