બળાત્કારના આરોપી પંજાબના પટિયાલા જિલ્લાના સનૌર મતવિસ્તારના આમ આદમી પાર્ટી ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા વિદેશ ભાગી ગયા છે. પઠાણમાજરા દેશ છોડીને ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. પંજાબ પોલીસ બે મહિનાથી પઠાણમાજરાને શોધી રહી હતી.પઠાણમાજરાએ ઓસ્ટ્રેલિયામાં એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ ઇન્ટરવ્યુ ૭ નવેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. તેમાં પઠાણમાજરાએ ભગવંત માન સરકાર પર જારદાર પ્રહારો કર્યા હતા અને તેમની સામે દાખલ થયેલા કેસને ખોટો ગણાવ્યો હતો.પઠાણમાજરાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભગવંત માનનો પંજાબના મુદ્દાઓ પર કોઈ પ્રભાવ નથી. માન આપ  સુપ્રીમો અરવિંદ કેજરીવાલ જે કહે છે તે કરે છે. ધારાસભ્યોનો સરકારમાં કોઈ સ્થાન નથી. સરકારે તેમના અવાજને દબાવવા માટે આ બધું કર્યું છે.સનૌર મતવિસ્તારના આપ ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા લગભગ બે મહિનાથી ગુમ છે. પંજાબ પોલીસ તેમની શોધ કરી રહી છે. બે મહિના પહેલા પટાલાના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં પઠાણમાજરા સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. જ્યારે પટાલા પોલીસ ટીમ હરિયાણાના કરનાલના ડાબરી ગામમાં ધારાસભ્યની ધરપકડ કરવા પહોંચી ત્યારે પઠાણમાજરા પોલીસને ચકમો આપીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ મોહન જૈને જણાવ્યું હતું કે આ કેસ પઠાણમાજરાનાં વિધાનસભા (ધારાસભ્ય) સભ્યપદને અસર કરશે નહીં, કારણ કે તેમને આ કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા નથી. દોષિત ઠેરવ્યા પછી તેમનું સભ્યપદ રદ થશે. દરમિયાન, પંજાબ પોલીસ હવે પઠાણમાજરા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરશે.