સુપ્રીમ કોર્ટે મંગળવારે પંજાબ અને હરિયાણા સરકારોને સતલજ-યમુના લિંક નહેર વિવાદના ઉકેલમાં કેન્દ્ર સાથે સહયોગ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટનો આ નિર્દેશ એવા સમયે આવ્યો છે જ્યારે એક દિવસ પહેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને હરિયાણાને વધારાનું પાણી આપવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે હવે પહેલા જેવું નથી રહ્યું, અમારી પાસે વધારાનું પાણી નથી.
સુનાવણી દરમિયાન, કેન્દ્રએ જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચને જણાવ્યું હતું કે આ મુદ્દાને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા માટે તેમના તરફથી અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. આના પર બેન્ચે કહ્યું, “અમે બંને રાજ્યોને પાણી વહેંચણીના મુદ્દાના સૌહાર્દપૂર્ણ ઉકેલ સુધી પહોંચવા માટે કેન્દ્ર સાથે સહયોગ કરવાનો નિર્દેશ આપીએ છીએ.”
પોતાના નિર્ણયમાં, બેન્ચે એમ પણ કહ્યું કે જા ૧૩ ઓગસ્ટ સુધીમાં મામલો ઉકેલાશે નહીં, તો તે તેની સુનાવણી કરશે. કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ બેન્ચને જણાવ્યું હતું કે, “અમે મધ્યસ્થીનો પ્રયાસ કર્યો છે, પરંતુ રાજ્યોએ પણ તેમના શબ્દોનું પાલન કરવું પડશે.”
એસવાયએલ નહેરની કલ્પના રાવી અને બિયાસ નદીઓના પાણીને વહેંચવા માટે કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ દ્વારા, ૨૧૪ કિલોમીટર લાંબી નહેર બનાવવાની યોજના બનાવવામાં આવી હતી, જેમાંથી ૧૨૨ કિલોમીટર નહેર પંજાબમાં અને ૯૨ કિલોમીટર હરિયાણામાં બનાવવાની હતી.
હરિયાણાએ તેના વિસ્તારમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે, જ્યારે પંજાબે ૧૯૮૨ માં તેના સંબંધિત બાંધકામ કાર્ય શરૂ કર્યું હતું પરંતુ પાછળથી તેને પડતું મૂકવામાં આવ્યું હતું. બંને રાજ્યો વચ્ચે પાણીની વહેંચણીનો વિવાદ દાયકાઓથી ચાલી રહ્યો છે.
અગાઉ, ૧૫ જાન્યુઆરી, ૨૦૦૨ના રોજ, સુપ્રીમ કોર્ટે ૧૯૯૬માં હરિયાણા દ્વારા દાખલ કરાયેલા દાવામાં હરિયાણાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને પંજાબ સરકારને જીરૂન્ નહેરના તેના ભાગનું બાંધકામ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
હરિયાણા સાથે પાણી વહેંચણી અંગે નવા વિવાદ વચ્ચે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે કોઈ વિવાદ નથી. તેમણે દાવો કર્યો કે આંકડા પંજાબના પક્ષમાં છે, પરંતુ હરિયાણા તેના હિસ્સા કરતાં વધુ પાણીની માંગ કરી રહ્યું છે. જ્યારે તેને ૧૦૦% પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જે તેણે પહેલાથી જ ખર્ચ કરી દીધું છે. હવે તેમને પાણી આપવામાં આવશે નહીં.