પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે આજે એટલે કે સોમવારે તેનું પહેલું બજેટ રજૂ કર્યું. રાજ્યના નાણામંત્રી હરપાલ ચીમાએ પંજાબ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું. બજેટ રજૂ કરતાં નાણામંત્રીએ કહ્યું કે, રાજ્યમાં મફત વીજળી આપવાનું વચન ૧ જુલાઈ સુધીમાં પૂર્ણ થશે.
આવી સ્થિતિમાં પંજાબની જનતાને આ બજેટથી ઘણી આશાઓ છે, પરંતુ બજેટ રજૂ કરતા પહેલા સરકાર દ્વારા રાજ્યની આર્થિક સ્થિતિને લઈને જે શ્વેતપત્ર બહાર પાડવામાં આવ્યું છે તે દર્શાવે છે કે બજેટમાં મોટી જાહેરાતો થવાની અપેક્ષા છે. આપે તેના વચનમાં મહિલાઓને દર મહિને ૧૦૦૦ રૂપિયા આપવાનું પણ વચન આપ્યું હતું, જાકે વર્તમાન બજેટમાં આ અંગે કોઈ જાહેરાત થવાની આશા ઓછી છે.
પંજાબમાં આપ સરકારના પ્રથમ બજેટ પર દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્‌વીટ કર્યું કે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંતમાન એ તેમના પ્રથમ બજેટમાં નાણાંની તમામ તંગી હોવા છતાં શિક્ષણ બજેટમાં અદભૂત વધારો કર્યો છે. પંજાબમાં ગયા વર્ષની સરખામણીએ શાળા શિક્ષણ બજેટમાં ૧૭%, ટેકનિકલ શિક્ષણ બજેટમાં ૪૮% અને તબીબી શિક્ષણ બજેટમાં ૫૭%નો વધારો થયો છે.