પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ શનિવારે કહ્યું કે રાજ્ય વિધાનસભામાં રજૂ કરાયેલ અપવિત્રતા વિરોધી બિલ ધાર્મિક ગ્રંથોનું અપમાન કરનારાઓને કડક સજા સુનિશ્ચિત કરશે. માનએ અપવિત્રતાની ઘટનાઓને રોકવા માટે તેમની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળની સરકારે ૧૪ જુલાઈના રોજ પંજાબ વિધાનસભામાં ‘પંજાબ પ્રિવેન્શન ઓફ ઓફેન્સિસ અગેઇન્સ્ટ હોલી સ્ક્રિપ્ચર્સ બિલ ૨૦૨૫’ રજૂ કર્યું, જેમાં ધાર્મિક ગ્રંથોનું અપમાન કરનારા કૃત્યો માટે આજીવન કેદ સુધીની સજાની જાગવાઈ છે. મુખ્યમંત્રી માનએ પોતે ગૃહમાં આ મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યું હતું.
રાજ્ય વિધાનસભાએ પ્રસ્તાવિત કાયદા પર ધાર્મિક સંસ્થાઓ સહિત જનતાનો અભિપ્રાય મેળવવા માટે બિલને ગૃહની પસંદગી સમિતિને મોકલ્યું છે. આ પગલાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કાયદો તમામ સંબંધિત પક્ષોની ચિંતાઓ અને સૂચનોને ધ્યાનમાં લે.
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ એક સંવેદનશીલ અને ગંભીર મુદ્દો છે જે તમામ પંજાબીઓને અસર કરે છે. તેમણે કહ્યું કે અપમાનની ઘટનાઓ વર્તમાન અને ભાવિ પેઢીઓ પર દૂરગામી અસરો પાડશે, તેથી આવા ગુનાઓને રોકવા માટે કડક સજા જરૂરી છે.
દરમિયાન શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિને ઈ-મેલ દ્વારા સુવર્ણ મંદિરને ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. અમૃતસર પોલીસે આ કેસમાં ફરીદાબાદથી એક સોફ્ટવેર એન્જીનિયરની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે ૨૪ વર્ષીય શુભમ દુબેની ધરપકડ કરવામાં આવી છે. ૧૪ જુલાઈના રોજ એસજીપીસીને મોકલવામાં આવેલા પહેલા ધમકીભર્યા ઈ-મેલના સંદર્ભમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમૃતસર પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે જણાવ્યું હતું કે દુબેનો લેપટોપ અને ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. દુબે પાસે બી.ટેક ડિગ્રી છે. તે ઘણી કંપનીઓમાં કામ કરી ચૂક્યો છે. કમિશનરે એ પણ સ્પષ્ટતા કરી હતી કે એન્જીનિયરનો અગાઉ કોઈ ગુનાહિત રેકોર્ડ નથી.