પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે. કોંગ્રેસ સત્તામાં પાછા ફરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પણ સત્તામાં આવવા માટે કોઈ કસર છોડી રહી નથી. આ દરમિયાન પંજાબ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ ને લઈને એબીપી સી-વોટર સર્વેમાંથી આપ માટે સારા સમાચાર આવ્યા છે. સર્વે અનુસાર પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ઉભરી રહી છે. આ સાથે ભાજપનું સૌથી ખરાબ પ્રદર્શન રહેવાની સંભાવના છે.
આગામી પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા એબીપી-સી વોટર નો સર્વે દર્શાવે છે કે, ૨૦૧૭માં યોજાયેલી અગાઉની ચૂંટણીઓની સરખામણીમાં આ વખતે આપને વોટ શેર અને બેઠકોની સંખ્યામાં મોટો વધારો જાવા મળશે. પંજાબની કોંગ્રેસ સરકારમાં ચાલી રહેલી ગરબડ અને ત્રણ કૃષિ કાયદાઓને લઈને ખેડૂતો કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહ્યા છે તેનો લાભ આ ચૂંટણીમાં આપને મળી શકે છે.
લોકોનો મૂડ જાણવા માટે કરવામાં આવેલા સર્વે અનુસાર અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પંજાબમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે. આ સર્વે અનુસાર, ૨૦૧૭માં યોજાયેલી અગાઉની ચૂંટણીની સરખામણીમાં આ વખતે આપઁને પંજાબમાં વોટ શેર અને સીટોમાં ફાયદો થઈ શકે છે. પંજાબમાં જેમાં ૧૧૭ બેઠકો છે તેમાંથી આપને ૪૭-૫૩ બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે સત્તાધારી કોંગ્રેસને ૪૨ થી ૫૦ બેઠકો અને શિરોમણી અકાલી દળને ૧૬-૨૪ બેઠકો મળવાની ધારણા છે.
આ દરમિયાન ભાજપ માટે સૌથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સર્વે અનુસાર, ભાજપ તાજેતરના દાયકાઓમાં પંજાબમાં તેના સૌથી ખરાબ પ્રદર્શનમાંથી પસાર થશે. આમ થવા પાછળનું કારણ નવા કૃષિ કાયદાઓ પ્રત્યે ખેડૂતોની નારાજગી અને એસએડી સાથેનું ગઠબંધન હોઈ શકે છે. બીજેપી ૦-૧ સીટ જીતે તેવી શક્યતા છે.