મિસાઈલ મેન ડો.અબ્દુલ કલામ સાહેબના શબ્દોમાં કહીએ તો ‘‘ છેલ્લી પાટલીએ બેઠેલ વિદ્યાર્થીઓ જયાં સુધી સ્પર્ધામાં ભાગ ન લે ત્યાં સુધી જ પહેલી પાટલીએ બેઠેલા વિદ્યાર્થીઓ બુદ્ધિશાળી હોય છે.’’ આવુ ઉદ્યમી અને કાર્યકુશળ વ્યક્તિત્વ એટલે બી.એસ. પંચાલ સાહેબ છે. શિક્ષણથી શરૂ કરેલી યાત્રા જિલ્લા શિક્ષણાધિકારી સુધી પહોંચી. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. પુરુષાર્થ વગર રિદ્ધિ અને સિદ્ધિ પણ મળતી નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. મનની મક્કમતા દ્વારા મુકામ સુધી પહોચવાની શ્રેષ્ઠ જિજ્ઞાસા હોવી જાઈએ. શ્રી ભાનુપ્રસાદ સબુરભાઈ પંચાલ સાહેબનો જન્મ તા.૦૧/૦૭/૧૯૬૪ ના રોજ ગાંગટા ગામ, તા.ખાનપુર, જિ.મહિસાગરમાં થયો હતો. પિતાજી અને માતૃશ્રીના ગર્ભસ્થ શ્રેષ્ઠ સંસ્કારો પ્રાપ્ત થયા હતા. ગામડામાં રહીને પ્રાથમિક શિક્ષણ મેળવ્યું.
બાલ્યાવસ્થાથી ભણવામાં તેજસ્વી હતા. ધોરણ-૧ર સાયન્સમાં સારા ગુણાંકને પાસ થયા. તેમની હાઈસ્કૂલના શિક્ષકો પંચાલ સાહેબની અભ્યાસ અભિરૂચી અને આવડતના સર્વ શ્રેષ્ઠ ગુણો પામી ગયેલ. શિક્ષકો જાણી ગયા હતા કે આવનાર સમયમાં આ વિદ્યાર્થી આપણી સંસ્થાનું ગૌરવ વધારશે. લુણાવાડા સાયન્સ કોલેજમાં બી.એસ.સી.માં પ્રવેશ મેળવ્યો. બસમાં અપડાઉન કરે. ઘરે આવે ત્યારે સંદર્ભ સાહિત્ય અને કોલેજમાં પ્રોફેસર ગુરૂજનોએ જે ગૃહકાર્ય આપ્યુ હોય તે નિયમિત તૈયાર કરીને જાય. કોલેજમાં આદર્શ વિદ્યાર્થી તરીકે નામના પ્રાપ્ત કરી સારા ગુણાંકે સ્નાતક થયા. તેમનુ નામ જ ભાનુ છે. તેઓ સૂર્યની જેમ પ્રકાશ રેલાવી શિક્ષણની નિરંતર સફળ યાત્રા કરતા ગયા. શિક્ષક બનવા માટે વ્યવસાયિક લાયકાત બી.એડ ખંભાત એજ્યુકેશન કોલેજમાંથી કર્યુ. વિશ્વનો સંપૂર્ણ પવિત્ર વ્યવસાય એટલે શિક્ષકનો વ્યવસાય. ગણિત-વિજ્ઞાનના ગુણાવત્તાયુક્ત શિક્ષક બનવા બી.એડ કોલેજમાં પ્રશિક્ષણ કાર્ય પ્રાપ્ત કર્યુ.
માઈક્રોલેશન અને સ્ટેલેશન ઉત્તમોતમ આપ્યા. બી.એડ થયા પછી અનુસ્નાતકની ડિગ્રી એમ.એડ થયા. ગોધરા સાર્વજનિક કોલેજમાંથી માસ્ટર ઓફ એજયુકેશનની ડિગ્રી હાંસલ કરી. શિક્ષણની પધ્ધતિઓ, અધ્યયન-અધ્યાપન પધ્ધતિ અને સર્વેક્ષણ અને શિક્ષણના વિવિધ હેતુઓનું ઉમદા જ્ઞાન પ્રાપ્ત કર્યુ. વર્ગમાં ગણિત-વિજ્ઞાનના વિષય કઈ રીતે રસાળ અને સરળ શૈલીમાં ભણાવી શકાય તેની વિવિધ પ્રવિધિ શીખી લીધી.શિક્ષક બનવા માટે વ્યવસાયિક લાયકાત પ્રાપ્ત કરી લીધી. વર્ષ ૧૯૮૬માં ગાયત્રી વિદ્યાલય નરોડા, તા.પાલનપુર, જિ.મહિસાગરમાં મદદનીશ શિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પંચમહાલ જિલ્લામાં ગરીબ બાળકોને નિષ્ઠા અને પ્રમાણિકતાથી ભણાવ્યું. ગામમાં અને શિક્ષકવૃંદમાં નામના પ્રાપ્ત કરી. આમ તો તેઓ વિશ્વકર્માના વારસ છે. એટલે આર્ટ અને સ્થાપત્યકલાના ગુણો ગર્ભસ્થ હોય જ. ગણિતમાં આકૃતિ બોર્ડ પર દોરે તો વિદ્યાર્થીઓ અચરજ પામી જાય તેવુ બ્લેક બોર્ડ પર તેમનું લખાણ હતું.વર્ષ ૧૯૯૮માં કે.કે. હાઈસ્કૂલ વેજલપુર, તા.કલોલ, જિ.પંચમહાલમાં આચાર્ય તરીકે જાડાયા. ‘આચરે તે આચાર્ય’ આચરણ દ્વારા શાળાની ગુણવત્તા સિદ્ધ કરવા કટિબદ્ધ રહ્યા. તેમનું વિશદ વાંચન અને અભ્યાસુ વ્યક્તિત્વ હોવાથી જયાં ફરજ બજાવી ત્યાં શિક્ષણક્ષેત્રે સર્વોત્તમ કાર્ય કર્યુ. બે વર્ષ તરીકે આચાર્ય રહ્યા તેમાં વેજલપુરની શાળાની શકલ બદલી નાખી. શિક્ષણના જીવ હોવાથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળા એ જ્ઞાનની ગંગોત્રી અને યમનોત્રી છે તે સાબિત કર્યું. વિદ્યાર્થીઓમાં હકારાત્મક સ્નેહ ઉભો કર્યો.
સ્વયંભૂ પોતાએ શિક્ષણક્ષેત્રે જે મહેનત કરી છે તેનું વિદ્યાર્થીઓને વિવરણ કર્યુ.
તા.૯/૧૧/ર૦૦૦ થી ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બેના અધિકારી તરીકે પસંદ થયા. તેમની વર્ગ બેના અધિકારી તરીકે સરકારી હાઈસ્કૂલ-મનફુરા, તા.ભચાઉ, જિ.કચ્છમાં આચાર્ય તરીકે નિમણૂક થઈ. સરકારી શાળાના આચાર્ય તરીકે સૌ પ્રથમ ગરીબ બાળકોને ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત થાય તેવા ભગીરથ પ્રયત્નો કર્યા. તા.ર૬/૧/ર૦૦૧ના રોજ કુદરતી આફત ભૂકંપ આવ્યો. તે સમયે એ.પી. સેન્ટર ભચાઉ તાલુકો હતો. આખી શાળા જમીનદોસ્ત થઈ ગઈ. તેવા સમયે સાહેબે તંબુમાં અને પ્લાસ્ટિકના મકાનમાં શાળા ચલાવી. ગભરાઈ ગયેલા વાલીઓ-વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ સંપાદન કર્યોે. તેણે જણાવ્યું કે સરકાર નવી શાળા બાંધી આપે ત્યાં સુધી આપણે અહીયાં ઉત્તમ અને પરિણામલક્ષી શિક્ષણ આપીશું. કાપડના તંબુમાં શિક્ષણની જયોત પ્રગટાવી. આ પંચાલ સાહેબના જીવનનો અદભૂત રચનાત્મક અભિગમ ગણાવુ છું. ત્યારબાદ સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ અને પંચમહાલ જિલ્લામાં શિક્ષણ નિરીક્ષક તરીકે બદલી થઈ. ડી.ઈ.ઓ કચેરીમાં શિક્ષણ નિરીક્ષક જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના હાથ, પગ અને હૈયું હોય છે. ત્યાં પણ સુંદર સેવા આપી.વર્ષ ર૦૧૪ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પરીક્ષા સચિવશ્રી (એસ.એસ.સી.) વડોદરામાં ચાર વર્ષ સુધી આદર્શ કાર્ય કર્યુ. પરીક્ષા શુદ્ધિકરણ- પારદર્શક બનાવવા નિરંતર પ્રયાસો કર્યા. વર્ષ ર૦૧૮માં વર્ગ-૧ કલાસ વન અધિકારી તરીકે પંચમહાલ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી તરીકે તેમની નિમણૂક થઈ. કોરોના સમયે ઓનલાઈન કલાસ-શિક્ષકોના સહયોગથી પ૮૦૦ જેટલી કીટોનું વિતરણ કાર્ય કર્યુ. ગુણવત્તાવાળા શિક્ષણ માટે દરેક શાળાની મુલકાત લઈ પરીણામ સુધારણાનું ભગીરથ કાર્ય કર્યુ.