(એ.આર.એલ),પંચમહાલ,તા.૨૧
પંચમહાલ જિલ્લાના ટિંબારોડ રેલવે સ્ટેશન ખાતે ગૂડઝ ટ્રેનની પાછળ ગાર્ડ કેબિન સહિતના ૧૩ ડબ્બા ખડી પડતાં દોડધામ મચી ગઈ હતી, ઘટનાની જાણ થતાં રેલવે વિભાગના અધિકારીઓ સહિત ટેકનિકલ ટીમ ટિંબારોડ સ્ટેશન ખાતે દોડી આવી હતી અને ટ્રેનને ટ્રેક પર ચઢાવવા કામગીરી હાથ ધરી હતી.
ગુરૂવારે સાંજે ગૂડઝ ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, ટિંબારોડ રેલવે સ્ટેશનથી વન્ડર સિમેન્ટના પ્લાન્ટ તરફ એક રેલવે ટ્રેક બનાવવામાં આવ્યો છે, જ્યાં સિમેન્ટની રેક ખાલી કર્યા બાદ લોકોમોટિવ વિનાની ટ્રેન એકાએક ચાલવા માંડી હતી. જે ટ્રેન પાંચથી છ કિમી લોકોમોટિવ વિના જ દોડી હતી. આ ટ્રેન સિમેન્ટના પ્લાન્ટ પર સિમેન્ટ ખાલી કરવા માટે આવી હતી.સિમેન્ટની રેક ખાલી કર્યા બાદ ટ્રેન રેલવે ટ્રેક પર ઊભી હતી. તે વેળાએ લોકોમોટિવ વિના એકાએક દોડવા લાગી હતી, અને ટીંબારોડ રેલવે સ્ટેશન ખાતે ટ્રેક પર સિગ્નલ તોડીને આગળ નીકળી ગયા બાદ ૧૩ જેટલા ડબ્બા ખરી પડ્યા હતા. જેમાં રેલવેના કેબલ અને પોલને નુકસાન થયું હતું, જ્યારે સિગ્નલ પોલ પણ તૂટી પડ્યો હતો.